પાકિસ્તાની સેનાએ ગઈ કાલે બંને દેશો દ્વારા ગોળીબાર અને સૈન્ય કાર્યવાહી રોકવા માટે સંમત થયાના ગણતરીનાં કલાકો બાદ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરનાં કેટલાંક વિસ્તારો ઉપરાંત ગુજરાતનાં સરહદી જિલ્લાઓમાં ગઈકાલે રાત્રે ડ્રોન જોવા મળ્યા હોવાનાં અહેવાલ છે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે X પર જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં ડ્રોન જોવા મળ્યા છે. આ ઘટનાને પગલે ભુજમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું. ભૂજના અમારા સંવાદદાતા જણાવે છે કે, નલિયા નજીક પાકિસ્તાનનું ડ્રોન દેખાતા તોડી પાડવામાં આવ્યું હતું. જ્યારે હરામીનાળા વિસ્તારમાં પણ ડ્રોન દેખાયું હતું.દ્વારકા જિલ્લાના અમારા પ્રતિનિધી કરણ જોષી જણાવે છે કે, ગઈ કાલે ખંભાળિયા સહિતના શહેરોમાં બ્લેક આઉટ કરવામાં આવ્યું. પોલીસ અને પ્રાંત અધિકારી દ્વારા રાત્રીના સમયે પેટ્રોલપંપ સહિત શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. જિલ્લાના સલાયા, ભાણવડ ,ખંભાળિયા વાડીનાર સહિતના સ્થળોએ પણ બ્લેકઆઉટનો અમલ કરાવવામાં આવ્યો હતો.જામનગર જિલ્લાના અમારા પ્રતિનિધી જગત રાવલ જણાવે છે કે, પાકિસ્તાન દ્વારા યુધ્ધવિરામના ઉલ્લંઘન બાદ ગઈ કાલે રાત્રે કલેક્ટર કેતન ઠક્કરે રાત્રે ૧૧.૦૦ કલાકથી આજે સવારે છ વાગ્યા સુધી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કર્યો હતો.
Site Admin | મે 11, 2025 9:42 એ એમ (AM)
સરહદી વિસ્તારોમાં ડ્રોન દેખાતાં ગઈ કાલે ભુજ, દ્વારકા અને જામનગર જિલ્લામાં બ્લેકઆઉટ કરાયું
