કેન્દ્રીય મંત્રીમંડળે આજે દેશમાં રોજગારીને વેગ આપવા માટે અંદાજે એક લાખ કરોડ રૂપિયાની રોજગાર-સંલગ્ન પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય બે વર્ષના સમયગાળામાં દેશમાં 3 કરોડ 50 લાખથી વધુ નોકરીઓનું સર્જન કરવા માટે પ્રોત્સાહન આપવાનો છે. આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણયો વિશે માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ પહેલી વાર નોકરી પર આવનારા કર્મચારીઓને એક મહિનાનો પગાર 15 હજાર રૂપિયા સુધી મળશે.
શ્રી વૈષ્ણવે વધુમાં માહિતી આપી હતી કે કેન્દ્રીય મંત્રીમંડળે એક લાખ કરોડ રૂપિયાના ભંડોળ સાથે સંશોધન વિકાસ અને નવીનીકરણ યોજનાને પણ મંજૂરી આપી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશના સંશોધન અને નવીનતા ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે ખાનગી ક્ષેત્રના રોકાણને પ્રોત્સાહન આપવા માટે લાંબા ગાળાના ધિરાણ અથવા પુનર્ધિરાણ પૂરું પાડવાનો છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનનું ગવર્નિંગ બોર્ડ, સંશોધન વિકાસ અને નવીનતા યોજનાને વ્યાપક વ્યૂહાત્મક દિશા પ્રદાન કરશે.
શ્રી વૈષ્ણવે ઉમેર્યું હતું કે દેશના રમતગમત ક્ષેત્રમાં પરિવર્તન લાવવા અને નાગરિકોને રમતગમત પ્રવૃત્તિઓ દ્વારા સશક્ત બનાવવા માટે રાષ્ટ્રીય રમતગમત નીતિ 2025ને પણ મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ નીતિના અમલીકરણ સાથે, વિશ્વના ટોચના પાંચ રમતગમત રાષ્ટ્રો બનવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રીમંડળે તમિલનાડુમાં એક હજાર 853 કરોડ રૂપિયાના ખર્ચે ચાર માર્ગીય પરમાકુડી-રામનાથપુરમ સેક્શનના નિર્માણ માટે પણ મંજૂરી આપી છે. આ પરિયોજનાની કુલ લંબાઈ 46.7 કિલોમીટર હશે.