રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અલ્જેરિયાના ત્રણ દિવસના પ્રવાસને પૂર્ણ કર્યા બાદ પ્રવાસના બીજા તબક્કામાં આજે મૉરિટાનિયા માટે રવાના થશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અલ્જેરિયાના ત્રણ દિવસના પ્રવાસને પૂર્ણ કર્યા બાદ પ્રવાસના બીજા તબક્કામાં આજે મૉરિટાનિયા માટે રવાના થશે. રાષ્ટ્રપતિએ ભારત અને અલ્જેરિયા વચ્ચેને સંબંધને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉચ્ચ સ્તરની નેતાઓ અને પ્રતિનિધિમંડળની સાથે વિવિધ દ્વિપક્ષી બેઠક યોજી હતી. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે, ‘મૉરિટાનિયાના એક દિવસના પ્રવાસમાં રાષ્ટ્રપતિ અનેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ મૉરિટાનિયાના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ આઉલ્દ ગઝૌઆની અને અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષી બેઠક તેમજ મૉરિટાનિયામાં ભારતીય સમુદાય સાથે સંવાદ કરશે.’
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, રાષ્ટ્રપતિની અલ્જેરિયા મુલાકાત ઐતિહાસિક રહી છે. વિદેશ મંત્રાલયના સચિવ અરૂણકુમાર ચેટર્જીએ કહ્યું કે, ‘આ પ્રવાસથી બંને દેશ વચ્ચે રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન મળશે. બ્રિક્સમાં અલ્જેરિયાનું સભ્યપદ અંગે જ્યારે પણ સંમેલનમાં ચર્ચા થશે તો ભારત તેનું સમર્થન કરશે.’
રાષ્ટ્રપતિ મુર્મૂ અલ્જેરિયા, મૉરિટાનિયા અને મલાવી એમ ત્રણ દેશના પ્રવાસે છે. પોતાના પ્રવાસના ત્રીજા તબક્કામાં તેઓ આવતીકાલે મલાવી પહોંચશે. આ દેશના પ્રવાસનો ઉદ્દેશ આફ્રિકી દેશોની સાથે ભારતના સંબંધોને વધુ મજબૂત કરવા અને વિસ્તારવાનો છે.