રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે અમદાવાદની રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા-NIDના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા NIDનો 44મો પદવીદાન સમારોહ યોજાયો. આ પ્રસંગે શ્રીમતી મુર્મૂએ આધુનિક પ્રશ્નોના નવતર ઉકેલ શોધવામાં ડિઝાઇન ક્ષેત્રની ભૂમિકા મહત્વની હોવાનું જણાવ્યું. દરમિયાન રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ ડિઝાઇન માટે NID ના બે વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત ડિઝાઇન ક્ષેત્રે આપેલ નોંધપાત્ર પ્રદાન બદલ NIDના બે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પણ રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતાં. ઉલ્લેખનીય છે કે ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ આજે પ્રતિષ્ઠિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી અને લોખંડી પુરુષ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિશ્રીએ એકતા નગર ખાતે જંગલ સફારી કરી અને વિવિધ વન્યજીવોને નિહાળ્યા હતા. તેમણે કેવડિયામાં રાજ્યના સૌથી વિશાળ સરદાર સરોવર ડેમની પણ મુલાકાત લીધી. બાદમાં, રાષ્ટ્રપતિએ એકતા નગરમાં એકતા કૌશલ્ય વિકાસ કેન્દ્રની મુલાકાત લીધી અને તાલીમાર્થીઓ સાથે વાતચીત કરી.
Site Admin | ફેબ્રુવારી 27, 2025 7:55 પી એમ(PM) | NID
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ NIDનાં પદવીદાન સમારોહમાં આધુનિક પ્રશ્નોના નવતર ઉકેલ શોધવામાં ડિઝાઇન ક્ષેત્રની ભૂમિકાને મહત્વની ગણાવી
