ઉજરાજ્યભરમાં આજે પરંપરાગતથી લઈ આધુનિક રીતથી એમ દરેક પ્રકારે ધામધૂમથી ધુળેટીના પર્વની વણી કરવામાં આવી. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના મહાનગરોમાં ઠેરઠેર મોટા પાર્ટી પ્લૉટ, ક્લબ, શેરીઓ અને સોસાયટીઓમાં તેમ જ મંદિરથી લઈ અનેક સ્થળે રંગપર્વની ઉજવણી કરવામાં આવી.
દેવભૂમિદ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ જગતમંદિરમાં આજે બપોરે ભક્તો હર્ષોલ્લાસ સાથે ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થયા. ભગવાન દ્વારકાધીશને ચાંદીની પિચકારી, અબીલ ગુલાલ અર્પણ કરાયું તેમ જ ઉત્સવ આરતી કરીને ફૂલડોલ ઉત્સવનું સમાપન થયું હતું. આ અંગે મંદિરના પૂજારી દિપક ઠાકરે માહિતી આપી.રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ આજે ગાંધીનગર રાજભવન ખાતે રંગોત્સવમાં રંગાયેલા જોવા મળ્યા હતા. દરમિયાન નિવાસી રાજસ્થાની કલાકારોએ ડફલી અને ઢોલની મધૂર ધૂન પર પરંપરાગત
ગેર નૃત્ય રજૂ કર્યું હતું. ગાંધીનગરમાં આજે વણઝારા કુટુંબે હોળીનો ભવ્ય ઉત્સવ ઉજવ્યો હતો. દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારી મંજિતા વણઝારાએ ઘૂમર નૃત્યની પ્રસ્તુતિ કરી હતી. આ ઉત્સવમાં 500 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
મહેસાણાના વિસનગરમાં વર્ષોથી ધુળેટીના દિવસે લોકો એકબીજા પર ખાસડા ફેંકીને ઉજવણી કરતા હોય છે, જે ખાસડા યુદ્ધ તરીકે પ્રચલિત છે. હવે સમય જતાં ખાસડાનું સ્થાન શાકભાજીએ લઈ લીધું છે. તેમ છતાં આજે પણ શહેરીજનોએ વર્ષો જૂની આ પરંપરાને સાચવી રાખી છે. આ અનોખી પરંપરા અંગે એક સ્થાનિકે
માહિતી આપી હતી.છોટાઉદેપુર જિલ્લામાં હોળી પહેલાના સાત દિવસ અને હોળીના છ દિવસ સુધી વિવિધ મેળાઓ યોજાય છે, જેમાં આદિવાસી સમુદાયના લોકો પરંપરાગત પરિધાન સાથે મેળામાં જોડાતા હોય છે.પોરબંદર જિલ્લામાં સાંદિપની વિદ્યા નિકેતનમાં આવેલા શ્રીહરિ મંદિરના તમામ શિખર પર
વિધિવત્ પૂજન સાથે નૂતન ધ્વજારોહણ કરવામાં આવી. ત્યારબાદ ફૂલડોલ ઉત્સવ ઉજવાયો હતો.જુનાગઢમાં કેશોદના ઈસરા ગામમાં ધૂણેશ્વર બાપાના સાંનિધ્યમાં યોજાતા ધૂળેટીના મેળામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ભક્તોએ ઘૂઘરીનો પ્રસાદ ધરી, મુંઠી ધૂળ અર્પણ કરી દર્શનનો લ્હાવો લીધો. તેમ જ લોકોએ અશ્વસવારો દ્વારા બતાવાયેલા કરતબ નિહાળ્યા હતા.અરવલ્લી જિલ્લાના માલપુરના પરસોડા ગામ રાજ્યનું એક માત્ર ગામ છે, જ્યાં રાત્રે નહીં પણ દિવસે હોલિકા દહન થાય છે. ગામના અનેક શ્રદ્ધાળુઓ મશાલ તૈયાર કરી હોળીની પ્રદક્ષિણા કરે છે.આ અંગે ગામના અગ્રણી રામ પાંડોરે માહિતી આપી.આ ઉપરાંત શામળાજી ખાતે ભગવાન શામળિયાને ચાંદીની પિચકારીથી રંગનો છંટકાવ કરાયો હતો. બોટાદમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં આજે રાજસ્થાનથી લવાયેલા 51 હજાર કિલો પ્રાકૃતિક રંગથી બે લાખથી વધુ ભક્તોએ ધુળેટી ઉજવી હતી. દરમિયાન હનુમાનજી દાદાને પિચકારી અને અનેક રંગોનો શણગાર પણ કરાયો હતો