ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 22, 2025 7:52 પી એમ(PM)

printer

રાજ્યની ગ્રામપંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્નઃ અનેક જિલ્લાઓમાં 70 ટકાથી વધુ મતદાન

રાજ્યમાં આજે ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા-ચૂંટણી માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થયું. રાજ્યની 8 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં 3 હજાર 656 સરપંચની જગ્યાઓ અને 16 હજાર 224 સભ્ય બેઠકો માટે મતદાન યોજાયું. આ મતદાન માટે 81 લાખ મતદારો નોંધાયા હતા. રાજ્યના અનેક જિલ્લાઓમાં સાંજે પાંચ વાગ્યા સુધી 70 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું.
રાજ્યનાં અનેક જિલ્લાઓમાં વરસાદનાં માહોલમાં લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. સવારથી જ લોકો મોટી સંખ્યામાં મતદાન માટે ઉમટી પડ્યા હતા. મોરબી જિલ્લામાં 40 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 73 ટકા, મહેસાણા જિલ્લાની 230 ગ્રામ પંચાયતો માટે 71 ટકા, આણંદ અને કચ્છમાં સરેરાશ 70 ટકા મતદાન નોંધાયું હતું. કચ્છ જિલ્લાની 129 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી.
મહીસાગર જિલ્લાના 6 તાલુકાના 253 બુથ પર મતદાન પ્રક્રિયા સમાપ્ત થઈ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 15 જેટલી ગ્રામ પંચાયતો સમરસ થઇ છે, ત્યારે બાકીની 69 ગ્રામ પંચાયતો માટે મતદાન થયું.
કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ નખત્રાણાના સુખપર ખાતે મતદાન કર્યું. બનાસકાંઠામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન 80 ટકા નોંધાયું. સાંસદ ગેનીબેન ઠાકોરે પોતાના વતન ભાભર તાલુકાના અબાસણા ખાતે મતદાન કર્યું હતું. અરવલ્લી જિલ્લામાં રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમારે તેમના વતન ચારણવાડા ગામે મતદાન કર્યું.
ગીર સોમનાથ જિલ્લામાં વાદળછાયા વાતાવરણમાં છ તાલુકાની ૬૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન થયું. જામનગર જિલ્લામાં 187 ગ્રામ પંચાયતો અને જૂનાગઢ જિલ્લાની 73 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાઈ. ડાંગ જિલ્લામાં અગાઉ ૧૬ ગ્રામ પંચાયતો બિનહરીફ થતાં આજે કુલ ૪૨ ગ્રામ પંચાયતમાં ૩૭ સરપંચ અને ૨૩૪ વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાઇ હતી.
ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર ગામના યુવકને અકસ્માત થતા પગમાં ફેક્ચર થયું હોવા છતાં લોકશાહીના અવસરમાં ભાગીદાર થવા મતદાન કર્યું હતું.
રાજ્યની કુલ 751 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. 25 જૂનના રોજ મતગણતરી હાથ ધરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ