કેન્દ્ર સરકારે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પ્રસંગે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે. આ પ્રસંગે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજથી ‘રન ફોર યુનિટી’નો પ્રારંભ થયો છે. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ‘રન ફોર યુનિટી’ને ફ્લેગ ઑફ કરાવી હતી. આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ સ્વપ્નને સાકાર કર્યું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજીત આ દૌડ કુલ 3.0 કિલોમીટર અંતરની હતી. જેમાં અંદાજીત 2500 જેટલા લોકો જોડાયા હતા.
જૂનાગઢના અમારા પ્રતિનિધિ સંજીવ મહેતા જણાવે છે કે, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા, કેશોદના ધારાસભ્ય દેવા માલમ, જિલ્લા કલેક્ટર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં એકતા દૌડનું આયોજન કરાયું હતું. આ દૌડ બહાઉદીન કૉલેજથી શરૂ કરીને સરદાર ચોક ખાતે પૂર્ણ થઈ હતી.
મહિસાગરના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે, લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડથી જિલ્લા સેવા સદન સુધી એકતા દૌડનું આયોજન કરાયું હતું. આ દૌડમાં અધિકારીઓ, પોલીસ જવાનો, કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતાને સુદૃઢ બનાવવા માટેના સંકલ્પ લીધા હતા.
અરવલ્લી જિલ્લાના અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે, મોડાસા શહેરના માલપુર રોડ ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરાયુ હતું.
ડાંગના અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે, આજે વહેલી સવારે જિલ્લા કલેક્ટર મહેશ પટેલ દ્વારા આહવાના મહાત્મા ગાંધી ઉદ્યાનથી ‘રન ફોર યુનિટી’નું પ્રસ્થાન કરાવાયું. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને નાગરિકોએ રાષ્ટ્રીય એકતાના શપથ ગ્રહણ કર્યા હતા.
ભાવનગરના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે, આતાભાઈ ચોકથી સંસ્કાર મંડળ– વિલિંગ્ટન સર્કલ– સેન્ટ્રલ સોલ્ટ ગુલિસ્તા થઈને આતાભાઈ ચોક સુધી દૌડની પૂર્ણાહૂતિ થઈ હતી.
નવસારીના અમારા પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે, બીલીમોરામાં ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની એકતા દૌડ યોજાઈ હતી. 150 જેટલા યુવાનોમાંથી જુદી જુદી શ્રેણીમાં ચંદ્રકો એનાયત કરાયા હતા.
Site Admin | ઓક્ટોબર 29, 2024 3:35 પી એમ(PM)
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજથી ‘રન ફોર યુનિટી’નો પ્રારંભ….
