ભારત અને ન્યુઝીલેન્ડે સંરક્ષણ, શિક્ષણ, રમતગમત, બાગાયત અને વનીકરણ ક્ષેત્રે પાંચ કરારો પર હસ્તાક્ષર કર્યા છે. બંને પક્ષોએ અધિકૃત આર્થિક સંચાલક પરસ્પર માન્યતા કરારનો પણ વિનિમય કર્યો હતો. બે દેશોએ મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો શરૂ કરવાની અને વ્યાવસાયિકો અને કુશળ કામદારોની ગતિશીલતાને સરળ બનાવતી વ્યવસ્થા પર વાટાઘાટોની જાહેરાત કરી હતી . ન્યુઝીલેન્ડ પ્રશાંત મહાસાગરોની પહેલમાં જોડાયું છે અને આપત્તિ નિયંત્રણ માળખા માટે ગઠબંધનનું સભ્ય બન્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં તેમના ન્યુઝીલેન્ડના સમકક્ષ ક્રિસ્ટોફર લક્સન સાથે વાતચીત કરી હતી. આ ચર્ચામાં ભારત-ન્યુઝીલેન્ડ સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. શ્રી મોદીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમણે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી અને બંને પક્ષોએ સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારીને મજબૂત અને સંસ્થાકીય બનાવવાનો નિર્ણય લીધો હતો. તેમણે કહ્યું કે, સંયુક્ત કવાયતો, તાલીમ અને બંદર મુલાકાતો સાથે, સંરક્ષણ ઉદ્યોગમાં પરસ્પર સહયોગ માટે એક રોડમેપ તૈયાર કરવામાં આવશે.
શ્રી.મોદીએ કહ્યું કે ભારત અને ન્યુઝીલેન્ડ આતંકવાદી, અલગતાવાદી અને કટ્ટરપંથી તત્વો સામે સહયોગ જાળવી રાખશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત વિસ્તરણવાદ નહીં, પરંતુ વિકાસની નીતિમાં માને છે. તેમના નિવેદનમાં, શ્રી. લક્સને કહ્યું કે બંને પક્ષો પરસ્પર ફાયદાકારક મુક્ત વેપાર કરાર પ્રાપ્ત કરવા આતુર છે. તેમણે કહ્યું કે ન્યુઝીલેન્ડ ભારતમાં તેની રાજદ્વારી હાજરી વધારશે.
ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી અને તેમનું પ્રતિનિધિમંડળ, રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળ્યા.
ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી અને શ્રી લક્સને સંયુક્ત રીતે રાયસીના સંવાદના 10મા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું. શ્રી લક્સને પોતાના મુખ્ય ભાષણમાં કહ્યું કે, ભારત અને ન્યુઝીલેન્ડ ભાગ્યશાળી છે કે તેઓ વિશ્વના સૌથી આર્થિક રીતે ગતિશીલ ક્ષેત્રનો ભાગ છે.
Site Admin | માર્ચ 18, 2025 9:37 એ એમ (AM)
ભારત અને ન્યુઝીલેન્ડે સંરક્ષણ, શિક્ષણ, રમતગમત, બાગાયત અને વનીકરણ ક્ષેત્રે પાંચ કરારો પર હસ્તાક્ષર કર્યા
