પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ભારતના પ્રથમ વિશ્વ દ્રશ્ય, શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન WAVES 2025નું ઉદ્ઘાટન કરશે.
ચાર દિવસની આ સમિટમાં વિશ્વભરનાં સર્જકો, સ્ટાર્ટઅપ્સ, મનોરંજન ક્ષેત્રનાં અગ્રણીઓ અને નીતિ ઘડવૈયાઓ ઉપસ્થિત રહેશે. સંમેલનમાં 90થી વધુ દેશોનાં 10 હજારથી વધુ પ્રતિનિધીઓ ભાગ લેશે. વૈશ્વિક માધ્યમ અને મનોરંજન ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ આ સંમેલનમાં ગ્લોબલ મિડીયા ડાયલોગ પણ યોજાશે, જેમાં 25 દેશોનાં મંત્રીઓ ભાગ લેશે.
સમિટનું મુખ્ય આકર્ષણ વૈશ્વિક ઇ-માર્કેટપ્લેસ ‘વેવ્ઝ બાઝાર’ છે, જેમાં છ હજારથી વધુ ગ્રાહકો, પાંચ હજારથી વધુ વિક્રેતાઓ ભાગ લેશે અને બે હજાર પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવશે. વેવ્ઝ બાઝારનો હેતુ સ્થાનિક અને વૈશ્વિક ગ્રાહકો અને વિક્રેતાઓને એક મંચ પર લાવીને વેપારની તકો સુનિશ્ચિત કરવાનો છે.