પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, જ્યારે યુવાનો રાષ્ટ્ર નિર્માણમાં ભાગ લે છે, ત્યારે રાષ્ટ્ર ઝડપથી વિકાસ પામે છે અને વિશ્વમાં પણ પોતાની છાપ અંકિત કરે છે. તેમણે કહ્યું કે, આજે દેશના યુવાનો પોતાની મહેનત અને નવીનતાથી વિશ્વને પોતાની ક્ષમતા બતાવી રહ્યા છે કે રાષ્ટ્રમાં કેટલી ક્ષમતા છે. પ્રધાનમંત્રી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ સરકારી વિભાગોમાં નવા નિયુક્ત યુવાનોને 51 હજારથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યા પછી રોજગાર મેળામાં બોલી રહ્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે, આજે જે યુવાનોને નિમણૂક પત્રો મળ્યા છે, તેમની પાસે દેશની અર્થવ્યવસ્થા, આંતરિક સુરક્ષાને મજબૂત બનાવવાની, આધુનિક માળખાગત સુવિધાઓ વિકસાવવાની અને શ્રમિકોના જીવનમાં પરિવર્તન લાવવાની મોટી જવાબદારી છે.
શ્રી મોદીએ કહ્યું કે, અંદાજપત્રમાં સરકારે ઉત્પાદન મિશનની જાહેરાત કરી છે અને તેનો ઉદ્દેશ્ય મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાનો અને ભારતના યુવાનોને વૈશ્વિક ધોરણોના ઉત્પાદનો બનાવવાની તક આપવાનો છે. તેમણે કહ્યું કે, આનાથી લાખો સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, નાના ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન મળશે જ, પરંતુ દેશભરમાં રોજગારની નવી તકો પણ ખુલશે…..1
પ્રધાનમંત્રીએ કહ્યું કે, થોડા દિવસોમાં, મુંબઈમાં વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ વેવ્સ 2025નું આયોજન થવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, આ કાર્યક્રમના કેન્દ્રમાં દેશના યુવાનો પણ છે. તેમણે કહ્યું કે, દેશના યુવા સર્જકોને પહેલીવાર આ પ્રકારનું પ્લેટફોર્મ મળી રહ્યું છે.
આજે દેશભરમાં 47 સ્થળોએ 15મો રોજગાર મેળો યોજાયો હતો. નવી ભરતીઓ કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં જોડાશે જેમાં મહેસૂલ વિભાગ, કર્મચારી અને જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, ગૃહ મંત્રાલય, ટપાલ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, રેલ્વે મંત્રાલય, શ્રમ અને રોજગાર મંત્રાલય વગેરેનો સમાવેશ થાય છે.