જામનગર જિલ્લામાં કેબિનેટમંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં અતિવૃષ્ટિ બાદની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
મંત્રીએ વિવિધ વિભાગ દ્વારા હાલ થઈ રહેલ કામગીરીની માહિતી મેળવી હતી. જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ નુકસાની અંગેનો સર્વે કરવા માટે હાલ ૧૨૩ ટીમો કાર્યરત છે. જે પૈકી શહેરી વિસ્તારમાં ૩૯ ટીમો દ્વારા અસરગ્રસ્ત વોર્ડમાં સર્વે કરવામાં આવી રહ્યો છે. ધ્રોલ તાલુકામાં એક માનવ મૃત્યુના કિસ્સામાં તેના પરિજનોને ૪ લાખની સહાયનો ચેક ચૂકવી દેવામાં આવ્યો છે. જિલ્લામાં ૧ હજાર ૭૨૯ જેટલા વીજપોલ ક્ષતિગ્રસ્ત થયા હતા. પીજીવીસીએલની ૭૭ ટીમો દ્વારા તમામ ગામડાઓમાં વીજપુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. પંચાયત હસ્તકના ૪૧૬ રસ્તાઓ પૈકી ૪૮ રસ્તાઓ ઓવર ટોપિંગ અને સ્ટ્રક્ચર ડેમેજના લીધે બંધ હતા જેમાંથી ૩૩ રસ્તાઓ શરૂ થઈ ગયા છે.
જામનગર જિલ્લામાં ૮૪ પશુપાલકોના ૬૧૪ પશુઓનું મૃત્યુ થયુ છે, જેમાંથી ધ્રોલ તાલુકામાં જેમના પશુના મૃત્યુ નીપજ્યા છે. તેઓને ૧ લાખ ૯૬ હજારની સહાય ચૂકવી દેવામાં આવી છે. ભારે વરસાદના પરિણામે સૌથી વધુ નુકશાન કપાસના પાકમાં થયું છે. અને ૩૮૮ અસરગ્રસ્ત ગામોના ખેડૂતોના ખેતરોમાં નુકશાનના સર્વેની કામગીરી ચાલુ છે.