કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નાગરિકતા સુધારા કાયદા – CAA અંતર્ગત આજે 188 હિન્દુઓને ભારતીય નાગરિકત્વ પ્રમાણપત્ર એનાયત કર્યા. અમદાવાદ ખાતે પંડિત દિનદયાળ હોલમાં જનગણના મંત્રાલય આયોજીત કાર્યક્રમમાં સંબોધતા શ્રી શાહે જણાવ્યું કે મારા પોતાના રાજ્યમાં 188 પરિવારો ભારાત માતાના પરિવારો બની ગયા છે. વધુમાં શ્રી શાહે જણાવ્યું કે CAA એ ન્યાય અને અધિકારનો કાયદો છે. આ પ્રસંગે તેમણે ધાર્મિક તૃષ્ટિકરણ મુદ્દે વાત કરતા કૉંગ્રેસ પક્ષ સામે પ્રહારો કર્યા હતા.
તો આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પેટલે સીએએ કાયદાને લઈને કેન્દ્ર સરકારની પ્રશંસા કરતા જણાવ્યું કે સંસદમાં CAA ખરડો પસાર કરીને ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવનાને સાબિત કરી છે. વધુમાં તેમણે ઉમેર્યું કે આ કાયદો ભારતના પડોશી દેશોમાં વસતા લઘુમતીઓ માટે આશીર્વાદ સમાન છે.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં અંદાજે એકહજાર કરોડનાં વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. સિંધુભવન રોડ પર જાહેર ખાનગી ભાગીદારીના ધોરણે બનાવેલા નવા ઑક્સિજન પાર્ક, મકરબા ખાતે બનાવેલા સ્વિમિંગ પૂલ અને 7 સ્માર્ટ શાળાઓ સહિતના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઑક્સિજન પાર્ક શહેરના લોકોને શુદ્ધ હવા અને આરામદાયક પર્યાવરણ પૂરૂં પાડશે. ઉપરાંત શ્રી શાહે જણાવ્યું હતું કે, એક વૃક્ષમાં કે નામ ઝુંબેંશમાં જોડાઈ દરેક નાગરિકે એક વૃક્ષ વાવવું જોઈએ. તેમણે ચૂંટણી જીતાડવા બદલ અમદાવાદીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.