આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ છે. દરેક વ્યક્તિ, સમુદાય અને સમાજ માટે સાક્ષરતાના મહત્વ તરફ ધ્યાન દોરવા માટે તેનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષનો વિષય છે -બહુભાષી શિક્ષણ પ્રોત્સાહન : પરસ્પર સમજણ અને શાંતિ માટે સાક્ષરતા
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એક મોટું પરિવર્તનકારી પગલું છે અને તે યુવાનોને તેમની પ્રતિભા અને ઊર્જાનો સંપૂર્ણ ઉપયોગ કરવાની તક પૂરી પાડે છે. આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે ભાષાઓની સમૃદ્ધિની દ્રષ્ટિએ ભારત એક અનોખો દેશ છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે.
શ્રી ધનખડે દરેક વ્યક્તિને ઓછામાં ઓછી એક વ્યક્તિને સાક્ષર બનાવવાની પ્રતિજ્ઞા લેવા વિનંતી કરી. તેમણે કહ્યું કે કોઈને સાક્ષર બનાવવું એ માનવતાની સેવા છે.
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે હવે દેશને આગળ વધતા કોઈ રોકી શકશે નહીં. શ્રી ધનખડે જણાવ્યું હતું કે ગામડાઓ સુધીમાર્ગ સંપર્ક , શાળાઓ, વીજળી, શૌચાલય અને ઇન્ટરનેટ સેવાઓ સાથે દેશ તમામ ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહ્યો છે.