I.S.S.F. નિશાનેબાજીની વિશ્વકપ ફાઈનલમાં ગનેમત સેખોં નવી દિલ્હીમાં મહિલાઓની સ્કીટની ફાઈનલ સ્પર્ધામાં છઠ્ઠા ક્રમાંક પર રહ્યાં

વિશ્વ આંતરરાષ્ટ્રીય નિશાનેબાજ રમતગમત સંઘ એટલે કે, I.S.S.F. નિશાનેબાજીની વિશ્વકપ ફાઈનલમાં ગનેમત સેખોં આજે સવારે નવી દિલ્હીમાં મહિલાઓની સ્કીટની ફાઈનલ સ્પર્ધામાં છઠ્ઠા ક્રમાંક પર રહ્યાં છે. પહેલા તેઓ બીજા ક્રમાંક પર હતા, પરંતુ સતત 2 શૉટ ચૂકી જવાના કારણે ચંદ્રકની સ્પર્ધાથી બહાર થઈ ગયાં હતાં. ક્વાલિફિકેશન રાઉન્ડમાં સેખોંએ ગઈકાલે 125માંથી 122 નિશાન લગાવીને રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યો હતો.
અન્ય મુખ્ય સ્પર્ધાઓમાં અમનજીત સિંહ અને મૈરાજ ખાન પુરૂષોની સ્કીટ ફાઈનલ સ્પર્ધામાં નિશાન લગાવશે. જ્યારે વિવાન કપૂર પુરૂષોની ટ્રેપ ફાઈનલમાં બપોરે 2 વાગ્યે નિશાન સાધશે. આ પહેલા અખિલ શ્યોરાણે ગઈકાલે પુરૂષોના ત્રીજા સ્થાન માટેની 50 મીટર રાઈફલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આ સાથે જ ચાલી રહેલી વિશ્વકપ સ્પર્ધામાં ભારતનો આ બીજો ચંદ્રક છે.