વસ્તુ અને સેવા કર- GST પરિષદે સામાન્ય નાગરિક, શ્રમ પ્રધાન ઉદ્યોગો, ખેડૂતો અને કૃષિ, આરોગ્ય અને અર્થતંત્ર માટે GSTના દરમાં સુધારો કરી તેને તર્કસંગત બનાવવાને મંજૂરી આપી. ગઈકાલે નવી દિલ્હીમાં માધ્યમોને માહિતી આપતાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું, સામાન્ય નાગરિક અને મધ્યમ વર્ગના ઉપયોગની ચીજવસ્તુઓ પર GST દર 18 અને 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો છે.તેમણે કહ્યું, GST પરિષદે વ્યક્તિગત જીવન વિમા પૉલિસીઓ અને ફૅમિલી ફ્લૉટર તથા વરિષ્ઠ નાગરિકો માટે પૉલિસીઓ સહિત વ્યક્તિગત આરોગ્ય વિમા પૉલિસીઓ પર GSTમાંથી છૂટને મંજૂરી આપી છે. આ તમામ ફેરફાર આ મહિનાની 22 તારીખથી લાગુ થશે.સુશ્રી સીતારમણે કહ્યું, 33 જીવનરક્ષક દવાઓ અને ઔષધીઓ પર GST દર 12 ટકાથી ઘટાડીને શૂન્ય તથા કેન્સર અને દુર્લભ બિમારીઓ અને અન્ય ગંભીર બીમારીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતી ત્રણ જીવનરક્ષક દવા પર GST પાંચ ટકા ઘટાડી શૂન્ય કરાયો છે. નાણામંત્રીએ કહ્યું, વાળના તેલ, સાબુની ટુકડીઓ, શૅમ્પુ, ટૂથબ્રશ, ટૂથપૅસ્ટ, સાયકલ, રસોડાનો સામાન અને અન્ય ઘરેલું સામાન પર હવે માત્ર પાંચ ટકા GST લાગશે. જ્યારે તમામ ભારતીય બ્રેડ પર GST દર શૂન્ય રહેશે.ઉપરાંત નમકીન, ભૂજિયા, સોસ, પાસ્તા, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, ચૉકલેટ, કૉફી, કૉર્નફ્લેક્સ, માખણ અને ઘી જેવી ખાદ્ય વસ્તુઓ પર GST 12 કે 18 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો છે.નાણામંત્રીએ કહ્યું, એસી, 32 ઇંચના મોટા ટીવી, ડિશ વૉશિંગ મશીન, નાની કાર અને બાઈક જેવી વસ્તુઓ પર GST દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરાયો છે. આ નિર્ણયથી શ્રમ સઘન ઉદ્યોગો અને ખેડૂતો તથા ખેતી ક્ષેત્રને લાભ થશે. ખેતીના ઉપકરણો પર પણ GST 12 ટકાથી ઘટાડી પાંચ ટકા કરાયો છે.
Site Admin | સપ્ટેમ્બર 4, 2025 8:35 એ એમ (AM)
GST પરિષદે અનેક વસ્તુઓ પર વસ્તુ અને સેવા કરના દર ઘટાડવાનો નિર્ણય કર્યો–નવા દર 22 સપ્ટેમ્બરથી લાગૂ થશે
