ભારતીય સેનાના લશ્કરી કામગીરીના મહાનિદેશક- DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ આજે બપોરે 12 વાગ્યે પાકિસ્તાનના તેમના સમકક્ષ સાથે વાતચીત કરશે. બંને દેશ વચ્ચે સંઘર્ષ વિરામ લાંબા સમય સુધી જાળવી રાખવા અંગે ચર્ચા કરવા આ વાતચીત કરાશે.
નવી દિલ્હીમાં ગઈકાલે સાંજે પત્રકાર પરિસદ સંબોધતા શ્રી ઘાઈએ જણાવ્યું, ‘ઑપરેશન સિન્દૂર’ હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર- POJK-માં નવ આતંકી ઠેકાણા પર હુમલો કરાયો, જેમાં 100થી વધુ આતંકી ઠાર મરાયા. હુમલામાં યુસૂફ અઝહર, અબ્દુલ મલિક રઉફ અને મુદાસિર અહમદ જેવા ખતરનાક આતંકવાદી ઠાર મરાયા છે. આ તમામ આતંકવાદી I.C-814 વિમાન અપહરણ અને પુલવામા વિસ્ફોટમાં સામેલ હતા. શ્રી ઘાઈએ કહ્યું, ‘ઑપરેશન સિન્દૂર’નો હેતુ આતંકવાદીઓ અને આયોજકોને સજા આપવાનો તેમજ તેમના આતંકી ઢાંચાને નષ્ટ કરવાનો છે.
DGMOએ ઉમેર્યું, તેમણે યુદ્ધનો અંત લાવવાનો પ્રસ્તાવ મૂકનારા પાકિસ્તાનના તેમના સમકક્ષ સાથે શનિવારે વાતચીત કરી હતી. ત્યારબાદ બંને તરફથી ગોળીબાર અને હવાઈ ઘૂસણખોરી બંધ થઈ ગઈ હતી. દરમિયાન શ્રી ઘાઈએ નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે, સંમતિના થોડા જ કલાક બાદ પાકિસ્તાની સેનાએ ફરીથી ગોળીબાર કર્યો અને ડ્રૉન મોકલ્યા. શ્રી ઘાઈએ ઉમેર્યું, પાકિસ્તાનના DGMOને હૉટલાઈન સંદેશથી જણાવવામાં આવ્યું કે, સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન થવા પર તેનો કડક જવાબ અપાશે.
દરમિયાન DGMOએ ઑપરેશન સિંદૂરમાં સર્વોચ્ચ બલિદાન આપનાર સશસ્ત્ર દળના પાંચ શહીદો અને નાગરિકોને શ્રદ્ધાંજલિ પણ આપી.
Site Admin | મે 12, 2025 10:33 એ એમ (AM) | OPARATIONSINDOOR
DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ આજે પાકિસ્તાન સાથે વાતચીત કરશે
