વિમાન અકસ્માત તપાસ સંસ્થા-AAIB એ અમદાવાદની વિમાન દુર્ઘટનાની તપાસનો 15 પાનાનો પ્રારંભિક અહેવાલ રજૂ કર્યો હતો. એર ઇન્ડિયા ફ્લાઇટ AI 171 બોઇંગ 787-8 વિમાન સાથે સંકળાયેલી દુર્ઘટના સુધીની ઘટનાઓ અને એન્જિન સ્થિતિની તપાસ કરતા અહેવાલમાં ખુલાસો થયો હતો કે વિમાનના એન્જિનમાં ઇંધણ બંધ થઈ ગયું હતું.
AAIB એ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, ઉડાન ભર્યાના થોડા જ સેકન્ડમાં, વિમાનના બંને એન્જિન, ફ્યુઅલ કંટ્રોલ સ્વીચો ‘RUN’ થી ‘CUTOFF’ સ્થિતિમાં એક પછી એક 1 સેકન્ડના સમય અંતરાલ સાથે બંધ થઈ ગયા, જેના પરિણામે વિનાશક હવાઈ દુર્ઘટના બની. પ્રારંભિક તપાસ અહેવાલ મુજબ, કોકપીટ વોઇસ રેકોર્ડર પર એક પાઇલટ બીજાને પૂછતો સાંભળી શકાય છે કે તેણે એન્જિનમાં ઇંધણ પુરવઠો કેમ બંધ કર્યો, જેના જવાબમાં બીજા પાઇલટે કહ્યું કે તેણે નથી કર્યું.
AAIB એ જણાવ્યું હતું કે, ઇંધણ નિયંત્રણ સ્વીચો પાછળથી ચાલુ કરવામાં આવી પરંતુ એક એન્જિનમાં સર્જાયેલી ખામીને રોકી શકાઈ ન હતી. વિમાનમાં ઇંધણ ભરવા માટે ઉપયોગમાં લેવાતા બોવર્સ અને ટેન્કોમાંથી લેવાયેલા ઇંધણના નમૂનાઓનું નાગરિક ઉદ્દયન મહાનિદેશાલાય DGCAની લેબમાં પરીક્ષણ કરાયું અને તે સંતોષકારક જણાયા હતા. જોકે, APU ફિલ્ટર અને ડાબી પાંખ પરના રિફ્યુઅલ/જેટીસન વાલ્વમાંથી મર્યાદિત માત્રામાં જ ઇંધણ મળી શક્યું હતું. રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે, તપાસ ટીમ હિસ્સેદારો પાસેથી માગવામાં આવતા વધારાના પુરાવાઓની સમીક્ષા કરશે..
Site Admin | જુલાઇ 12, 2025 4:07 પી એમ(PM)
AAIB એ અમદાવાદની વિમાન દુર્ઘટનાની તપાસનો 15 પાનાનો પ્રારંભિક અહેવાલ રજૂ કર્યો