પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પરથી 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણીનું નેતૃત્વ કરી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. શ્રી મોદીએ આજે દેશના યુવાનો માટે એક લાખ કરોડ રૂપિયાના ખર્ચની પીએમ વિકસિત ભારત રોજગાર યોજનાની જાહેરાત કરી. આ યોજના હેઠળ, ખાનગી ક્ષેત્રમાં નવા રોજગાર મેળવનારા યુવાનોને એક મહિનાના EPF વેતન પ્રોત્સાહન તરીકે સરકાર 15 હજાર રૂપિયા સુધીની રકમ આપશે. વધુમાં, નવી રોજગારીની તકો ઉભી કરવા માટે નોકરીદાતાઓને પ્રતિ નવા કર્મચારી દીઠ મહિને 3 હજાર રૂપિયા સુધીની રકમ અપાશે. શ્રી મોદીએ કહ્યું કે, આ યોજના હેઠળ, ત્રણ કરોડ 50 લાખ યુવાનો માટે નવી રોજગારીની તકો ઉભી થશે. સંબોધન દરમિયાન શ્રી મોદીએ કહ્યું, ઓપરેશન સિંદૂર દરમિયાન આપણે મેડ ઇન ઈન્ડિયાની તાકાત જોઈ.
પ્રધાનમંત્રીએ આ દિવાળી સુધીમાં નેક્સ્ટ-જનરેશન GST સુધારાઓ રજૂ કરવાની જાહેરાત કરી હતી, જેનો ઉદ્દેશ્ય દૈનિક ઉપયોગની વસ્તુઓ પરના કર ઘટાડવાનો છે. તેમણે કહ્યું કે, આ સુધારાથી સામાન્ય માણસ, ખેડૂતો, મધ્યમ વર્ગ અને સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને રાહત મળશે અને આર્થિક પ્રવૃત્તિને વેગ મળશે. શ્રી મોદીએ જણાવ્યુ ખાનગી ક્ષેત્રની ભાગીદારી દ્વારા પરમાણુ ઊર્જાના વિસ્તરણ પર ભારતના ધ્યાન પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે હાલમાં દસ નવા પરમાણુ રિએક્ટર કાર્યરત છે.