એપ્રિલ 10, 2025 8:08 પી એમ(PM)

printer

26/11ના મુંબઈ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ તહવ્વુર હુસૈન રાણાને આજે ભારત લવાયો

26/11ના મુંબઈ આતંકી હુમલાનો આરોપી તહવ્વુર હુસૈન રાણાને આજે ભારત લવાયો છે. તેને લઈને એક વિશેષ ફ્લાઇટ આજે સાંજે દિલ્હીના પાલમ હવાઈમથકે પહોંચી હતી. ભારત-અમેરિકા પ્રત્યાર્પણ સંધિ હેઠળ શરૂ થયેલી કાર્યવાહી મુજબ કુખ્યાત રાણાને અમેરિકામાં ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો.
કેલિફોર્નિયાની મધ્યસ્થ જિલ્લા અદાલતે 16 મે 2023ના રોજ રાણાના પ્રત્યાર્પણનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ રાણાએ નવમી સર્કિટ અપીલ અદાલતમાં અનેક અરજી દાખલ કરી હતી. જે તમામને નકારી કાઢવામાં આવી હતી. ત્યારબાદ તેણે યુ. એસ. સર્વોચ્ચ અદાલત સમક્ષ પ્રમાણપત્રની રિટ, હેબિયસ પિટિશન અને કટોકટીની અરજી દાખલ કરી હતી, જેને પણ નકારી કાઢવામાં આવી હતી.
ભારતે અમેરિકાની સરકાર પાસેથી આતંકવાદી માટે આત્મસમર્પણ વોરંટ મેળવ્યા બાદ બંને દેશ વચ્ચે પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.