15મી ગુજરાત વિધાનસભાના સાતમા સત્ર દરમિયાન કુલ 5 ખરડા રજૂ કરાશે. ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આ સત્રમાં શ્રમ, કૌશલ્ય વિકાસ રોજગાર, નાણા, ઉદ્યોગ-ખાણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ખરડા રજૂ કરાશે. 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર આ સત્રના પ્રથમ દિવસે પ્રશ્નોતરી થયા બાદ સમગ્ર દિવસ દરમિયાન શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા થશે. જ્યારે તારીખ 9 અને 10ના રોજ પ્રશ્નોતરી અને અન્ય કામકાજ ઉપરાંત ઓપરેશન સિંદૂરની સફળતાના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવશે.
સત્ર દરમિયાન જે પાંચ ખરડા રજૂ કરાશે તેમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનો ‘કારખાના (ગુજરાત સુધારા) ખરડો, 2025’, નાણા વિભાનો ‘ગુજરાત વસ્તુ અને સેવા કર (દ્વિતીય સુધારા) ખરડો, 2025’, ઉદ્યોગ અને ખાણ વિભાગનો ‘ગુજરાત જનવિશ્વાસ (જોગવાઇઓના સુધારા) ખરડો’, 2025 તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો ‘ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનો (સુધારા) ખરડો, 2025’ અને ‘ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (સુધારા) ખરડો, 2025’ જેવા ખરડાઓનો સમાવેશ થાય છે.