100 ગીગાવોટથી વધુ સૌર ઉર્જાનું ઉત્પાદન કરીને ભારત સૌર ઉત્પાદનમાં વૈશ્વિક નેતા બન્યું છે. આનાથી નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિ મજબૂત થઈ છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, આ સિદ્ધિ સ્વચ્છ, હરિયાળા ભવિષ્ય પ્રત્યે દેશની પ્રતિબદ્ધતાનો પુરાવો છે.
આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 2030 સુધીમાં 500 GW બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત ઉર્જા ક્ષમતાના મહત્વાકાંક્ષી લક્ષ્યને પ્રાપ્ત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે, છેલ્લા દસ વર્ષમાં ભારતની ઉર્જા યાત્રા ઐતિહાસિક અને પ્રેરણાદાયક રહી છે. તેમણે કહ્યું કે, સૌર પેનલ, સૌર પાર્ક અને છત પરના સૌર પ્રોજેક્ટ્સ જેવી પહેલોએ ક્રાંતિકારી પરિવર્તન લાવ્યા છે. તેમણે કહ્યું કે, ભારત માત્ર આત્મનિર્ભર જ નથી બની રહ્યું, પરંતુ વિશ્વને હરિત ઉર્જાના ક્ષેત્રમાં એક નવો રસ્તો પણ બતાવી રહ્યું છે. ભારતે સૌર ઊર્જા ઉત્પાદનમાં પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે. 2014 માં, દેશની સૌર મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા ફક્ત 2 GW હતી.