હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક જિલ્લામાં આજે માવઠું થયું હતું. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, વડગામ, દાંતીવાડા સહિત વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જ્યારે ધાનેરા વિસ્તારમાં કરા પડ્યા હતા. બીજી તરફ દેવભૂમિ દ્વારકામાં પણ વાતાવરણમાં પલટો આવતા વાદળછાયુ વાતાવરણ છવાયુ હતું. દરમિયાન મહીસાગર જિલ્લાના લુણાવાડા, ખાનપુર, સંતરામપુર અને કડાણા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જ્યારે કડાણા તાલુકાના ડિટવાસ ગામે ઝાડ પર વીજળી પડતા 2 પશુનાં મોત થયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી, લીંબડી અને લખતર પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે.