હવામાન ખાતાએ બીજી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આજે સમગ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને પણ પહેલી સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા હવામાન ખાતાએ સૂચના આપી છે.
દરમિયાન આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 75 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સવા છ ઇંચ જેટલો વરસાદ તાપીના ડોલવણ તાલુકામા, જ્યારે શહેરા સહિત 12 તાલુકામાં બેથી સવા ચાર ઇંચ જેટલો વરસાદ થયાના અહેવાલ છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 87 ટકાથી વધુ વરસાદ થઈ ગયો છે.
તાપીમાં ગત એક સપ્તાહથી સતત વરસાદ થઈ રહ્યો છે. તેને લઈ જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. વ્યારાથી પસાર થતી મિંઢોળા નદી અને ડોલવણ તાલુકામાંથી પસાર થતી પૂર્ણા, અંબિકા, ઓલન નદીમાં ભરપૂર પાણીની આવક આવતા નદી કિનારાના ગામને સાવચેત કરાયા છે.
ડાંગમાં વરસાદને લઈ જિલ્લાની ખાપરી, પૂર્ણા, અંબિકાના જળસ્તરમાં વધારો થયો છે. ગત 24 કલાકમાં જિલ્લામાં સાપુતારા, સુબિર, વઘઈ અને આહવા તાલુકામાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો. 
Site Admin | ઓગસ્ટ 29, 2025 3:03 પી એમ(PM)
હવામાન ખાતાએ બીજી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી
 
		 
									 
									 
									 
									 
									