ઓગસ્ટ 11, 2025 3:02 પી એમ(PM)

printer

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ડાંગ જિલ્લાના આહવામાં યોજાયેલી તિરંગા યાત્રામા 1300 જેટલા વિદ્યાર્થીઓ, પોલીસ વિભાગના 200થી વધુ કર્મચારીઓ સહિત અંદાજે 2 હજાર લોકો જોડાયા હતા. મહીસાગર જિલ્લા પોલીસે લુણાવાડાની એસ.પી. કચેરીથી કડાણા ડેમ સુધી તિરંગા બાઇક રેલી યોજી, જેમાં દેશભક્તિની ભાવના સાથે ટ્રાફિક સલામતીનો સંદેશ પણ અપાયો હોવાનું જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું.

મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે ધારાસભ્ય કિરીટ પટેલની ઉપસ્થિતમાં તિરંગા યાત્રા યોજાઇ. મોરબી તાલુકાના બેલા ગામમાં શાળા પરિવાર દ્વારા યોજાયેલી તિરંગા રેલીમાં જિલ્લા કલેક્ટર કે.બી ઝવેરી શાળાના ભૂલકાઓ સાથે જોડાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડીની પ્રાથમિક શાળા ક્રમાંક એક અને બે ખાતે ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત તિરંગા રેલી, વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઇ જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.