ડિસેમ્બર 22, 2025 8:35 એ એમ (AM)

printer

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અરૂણાચલમાં ભાજપ અને મહારાષ્ટ્રમાં ભાજપ સહિતના પક્ષોના મહાયુતિ ગઠબંધનનો વિજય

અરુણાચલ પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ વિજય મેળવ્યો છે. 15 ડિસેમ્બરે યોજાયેલી જિલ્લા પરિષદ અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપે બહુમતી મેળવી છે.રાજ્ય ચૂંટણી પંચે ગઈકાલે રાત્રે ચૂંટણીના અંતિમ પરિણામો જાહેર કર્યા હતા. ભાજપે 245 જિલ્લા પરિષદની બેઠકોમાંથી 170 બેઠકો જીતી હતી. પીપીએ 28 બેઠકો સાથે બીજા ક્રમની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, જ્યારે કોંગ્રેસ સાત બેઠકો જીતવામાં સફળ રહી હતી.ગ્રામ પંચાયત ચૂંટણીમાં ભાજપે આઠ હજાર 208 બેઠકોમાંથી છ હજાર 85 બેઠકો જીતી છે. PPAએ 648 બેઠકો, જ્યારે અપક્ષોએ 627 અને કોંગ્રેસે 216 ગ્રામ પંચાયત બેઠકો જીતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ 396, NPPએ 160, લોક જનશક્તિ પાર્ટીએ 27 અને આમ આદમી પાર્ટીએ એક બેઠક જીતી છે.મુખ્યમંત્રી પેમા ખાંડુએ આ જીત માટે મતદારોનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પંચાયત ચૂંટણીમાં વિજય બદલ અરુણાચલ પ્રદેશના લોકોનો આભાર માન્યો છે.મહારાષ્ટ્રમાં નગર પરિષદ અને નગર પંચાયતની ચૂંટણીમાં ભાજપ, શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-એનસીપીના મહાયુતિ ગઠબંધને પ્રચંડ વિજય મેળવ્યો છે. કુલ 288 નગર પરિષદ અને નગર પંચાયત માંથી, મહાયુતિએ 207 સ્થાનિક સંસ્થાના પ્રમુખ પદો જીત્યા છે, જ્યારે વિપક્ષી મહા વિકાસ આઘાડી 44 પર સમેટાઈ ગઈ છે.આ દરમિયાન, પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડા અને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ નીતિન નવીને ભાજપ અને મહાયુતિની જીત બદલ રાજ્યના લોકોનો આભાર માન્યો હતો.એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે આ જીત લોકો-કેન્દ્રિત વિકાસના વિઝનમાં વિશ્વાસ દર્શાવે છે. તેમણે ભાજપ અને મહાયુતિના કાર્યકરોના પાયાના સ્તરે અથાક કાર્યની પ્રશંસા કરી અને કહ્યું કે સરકાર રાજ્યના દરેક નાગરિકની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે નવી ઉર્જા સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.