રાજ્યમાં ચોમાસાનું વિધિવત્ આગમન થયું છે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે ભારે વરસાદની આગાહી છે. તેમજ આજે અને આવતીકાલે સાર્વત્રિક ભારે વરસાદ યથાવત્ રહેશે તેમ હવામાન ખાતાના નિયામક ડૉ. એ. કે. દાસે જણાવ્યું.ઉપરાંત આજે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં અતિભારે વરસાદની સંભાવના છે. વરસાદની આ આગાહીને પગલે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.રાજ્યમાં ગઈકાલે સવારે છ વાગ્યાથી આજે સવારના ચાર વાગ્યા સુધીમાં કુલ 154 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. સત્તાવાર યાદી મુજબ, સૌથી વધુ આઠ ઈંચ જેટલો વરસાદ વલસાડના કપરાડા તાલુકામાં નોંધાયો. જ્યારે ડાંગના આહવા, સુબીર અને વઘઈ, વલસાડના ધરમપુર અને નવસારીના વાંસદા તાલુકામાં પાંચથી સાડા સાત ઈંચ જેટલો વરસાદ થયાના અહેવાલ છે. આ સિવાયના તાલુકાઓમાં પાંચ ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે.અમદાવાદમાં પણ મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો છે અને હજી પણ વરસાદ ચાલુ જ છે.પંચમહાલમાં ગત સાંજથી ગોધરા શહેર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે, ગોધરા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.દેવભૂમિદ્વારકામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા તંત્ર સાવચેત બન્યું છે. અમારા પ્રતિનિધિ કરણ જોષી જણાવે છે, રાજ્ય સરકાર દ્વારા જિલ્લા માટે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ- NDRFની એક ટુકડી ફાળવવામાં આવી છે.પોરબંદરમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની 30 જવાનની એક ટુકડી બોલાવવામાં આવી છે. તેમજ 200 જેટલા આશ્રય સ્થાન બનાવવાની તૈયારી કરવામાં આવી હોવાનું અમારા પ્રતિનિધિ મહેશ લુક્કાએ જણાવ્યું.બીજી તરફ, કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુબેન બાંભણિયાએ ગઈકાલે બોટાદ જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. તેમણે લાઠીદડ પાસે એક કારમાં તણાયેલા નાગરિકોના સ્વજનોને સાંત્વના પાઠવી. બચાવ કામગીરી દરમિયાન મળેલા મૃતદેહને તેમના પરિવારજનોને સોંપાયા.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામતા ચાર લોકમાતા અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગિરામાં નવા નીરની આવક વધી છે. નદી, ઝરણાં અને ધોધ ફરી જીવંત બન્યા છે. અમારાં પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે, ગત 24 કલાકમાં સૌથી વધુ 10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો.
Site Admin | જૂન 19, 2025 9:37 એ એમ (AM)
સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે ભારે વરસાદની આગાહી, માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના