હવામાન ખાતાએ રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી છે. ત્યારે આગામી ચાર દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને પણ પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાને નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું
રાજ્યમાં વરસાદનું જોર ફરી વધતાં આજે સાંજે છ વાગ્યા સુધીમાં 100 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ ચાર ઇંચ જેટલો વરસાદ જુનાગઢના માંગરોળ તાલુકામાં થયાના અહેવાલ છે.
અમરેલીમાં ભારે વરસાદને કારણે શેત્રુંજી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને ઠેબી, ખોડિયાર અને ધાતરવડી બંધ-2 છલકાઈ જતાં ત્રણેય મુખ્ય બંધના દરવાજા ખોલાયા છે. તેના કારણે નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા છે.
ભરૂચમાં અચાનક આવેલા વરસાદથી ખેડૂતો, ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે. શહેરની પટેલ સોસાયટી, હોસ્ટેલ મેદાન સહિત જિલ્લાના અનેક ગરબા મેદાનમાં પાણી ભરાઈ ગયા છે.
રાજકોટમાં ભારે વરસાદના કારણે 7 બંધ સંપૂર્ણ છલકાઇ જતાં હેઠવાસમાં આવેલા ગામોના લોકોને સલામત સ્થળે ખસી જવા અને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઇ છે.
છોટાઉદેપુરમાં પણ આ વર્ષે સારો વરસાદ થતાં સીતાફળનું મબલખ ઉત્પાદન થયું છે. હાલ એક કિલોના 80 થી 100 રૂપિયાના ભાવે વેચાતા સીતાફળનો વીસ કિલોની પેટીમાં પેક કરીને વેચાણ કરાય છે. એક પરિવાર પ્રતિ વ્યક્તિદીઠ એક દિવસમાં બે હજાર રૂપિયા સુધીની આવક મેળવે છે, તેમ વન વિભાગના આધિકારી નિરંજન રાઠવાએ જણાવ્યું.
Site Admin | સપ્ટેમ્બર 29, 2025 7:55 પી એમ(PM)
સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી