સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર આજે પણ યથાવત્ છે. ભારે વરસાદથી સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે. સ્થાનિક નદીઓ પણ બે કાંઠે વહી રહી છે. જ્યારે ખેતરો ટાપુમાં ફેરવાયા છે. વરસાદથી અસરગ્રસ્ત જિલ્લામાં વાહનવ્યવહાર ખોરવાયો છે.
જુનાગઢ જિલ્લાના મેંદરડામાં આજે સવારથી 13 ઈઁચ, જ્યારે કેશોદ અને વંથલિમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં જનજીવનને અસર થઈ છે. જિલ્લાના 54 ગામને અલર્ટ પર રખાયાં છે. જિલ્લા કલેક્ટર અનિલ રણાવસિયાએ લોકોને તકેદારી રાખવા જણાવ્યું છે.
દેવભૂમિદ્વારકા જિલ્લાનાં ભોગાત ગામ પાસે એક ઈમારતમાં ચારે બાજુ પાણી ફરી વળતાં પાણીમાં ફસાયેલા કુલ 17 લોકોને બચાવાયાં
ગીર સોમનાથમાં હિરણ 2 બંધના 7 દરવાજા 7 ફૂટ ખોલાતા ત્રિવેણી ઘાટ પર પાણી ફરી વળ્યું છે. પાણી ભરાતાં કાજલી માર્કેટિંગ યાર્ડ પાસેના બ્રિજ પરથી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકાયો. જિલ્લા કલેક્ટરે નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત કર્યાં છે.
પોરબંદર જિલ્લાના આઠ બંધમાંથી ત્રણ બંધ સો ટકા ભરાયા છે. કુતિયાણા તાલુકાના અમર ગામે વાડી વિસ્તારમાં વીજળી પડતાં એક મહિલાનું મોત નીપજ્યું છે.
અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર ખાતે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. પ્રતિકૂળ હવામાનને કારણે દરિયામાં ફસાયેલા માછીમારો અને હોડી મહારાષ્ટ્રના દરિયા કિનારે લાંગરી શકાશે તેમ જાફરાબાદ બંદર અધિકારીએ એક યાદીમાં જણાવ્યુ છે.
ભાવનગરના શેત્રુંજી બંધના 59 દરવાજા 2 ફૂટ ખોલાતાં 15 હજાર 340 ક્યૂસેક પાણી વહેતું હોવાથી નીચાણવાળા વિસ્તારનાં લોકોને સાવચેત કરાયાં. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે રંઘોળા જળાશય છલકાતા દરવાજા ખોલાયા છે
કચ્છના મુન્દ્રા તાલુકાના બરાયા, કારાઘોઘા, બોચા, બાબીયા પંથકમાં વીજળીના કડાકાભડાકા સાથે ભારે વરસાદ પડતાં કારાઘોઘા બંધ ફરી ઓવરફ્લો થયો. વરસાદના લીધે ગ્રામ્ય વિસ્તારના 22 જેટલા રસ્તા બંધ કરાયા.
તો દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લાનો ડોસવાળા બંધ ઓવરફલો થતા મીંઢોળા નદી બે કાંઠે થઈ. નીચાણવાળા 10 ગામને સાવચેત કરાયાં. વલસાડ જિલ્લામાં મધુબન બંધનાં 10 દરવાજા દોઢ મીટર સુધી ખોલાતાં દમણગંગા નદી કિનારે આવેલા ગામને એલર્ટ કરાયા છે.
ડાંગ જિલ્લાનાં વઘઈમાં પોણા ચાર ઇંચ, આહવા અને સુબીરમાં 2 ઇંચ અને સાપુતારામાં દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા, લાખણી ધાનેરા દિયોદરના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થયો. અરવલ્લીનાં મોડાસા શહેર, મેઘરજ તેમજ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો.
Site Admin | ઓગસ્ટ 20, 2025 7:09 પી એમ(PM)
સૌરાષ્ટ્રમાં જળબંબાકાર જૂનાગઢનાં મેંદરડામાં 13 ઈંચ વરસાદ ખાબક્યો
