પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત સાથે સેમિકન્ડક્ટરમાં ભવિષ્ય બનાવવા માટે દુનિયા તૈયાર છે. આજે નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે સેમિકોન ઇન્ડિયા 2025નું ઉદ્ઘાટન કરતા શ્રી મોદીએ કહ્યું કે તે દિવસ દૂર નથી જ્યારે ભારતની સૌથી નાની ચિપ વિશ્વમાં સૌથી મોટુ પરિવર્તન લાવશે.
શ્રી મોદીએ કહ્યું કે વૈશ્વિક સેમિકન્ડક્ટર બજાર આગામી વર્ષોમાં એક ટ્રિલિયન ડોલરને પાર કરવાનો અંદાજ છે અને ભારત જે ગતિએ આગળ વધી રહ્યું છે તે ગતિએ, દેશ આ બજારનો નોંધપાત્ર હિસ્સો મેળવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે 2021 થી મંજૂર થયેલા 10 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાં 18 અબજ ડોલરનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે એવી પણ જાહેરાત કરી કે સરકાર ટૂંક સમયમાં આગામી પેઢીના સુધારાઓ શરૂ કરશે.
ઉદ્ઘાટન સમારોહને સંબોધતા, કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી, અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે સેમિકન્ડક્ટર મિશનના પ્રારંભથી, વિશ્વ સંપૂર્ણ વિશ્વાસ સાથે ભારત તરફ જોઈ રહ્યું છે. તેમણે માહિતી આપી કે પાંચ સેમિકન્ડક્ટર યુનિટનું બાંધકામ ઝડપથી ચાલી રહ્યું છે અને પ્રધાનમંત્રીને પ્રથમ મેડ ઇન ઇન્ડિયા ચિપ રજૂ કરી. તેમણે ઉમેર્યું કે આવા બે વધુ યુનિટ થોડા મહિનામાં ઉત્પાદન શરૂ કરશે.
Site Admin | સપ્ટેમ્બર 2, 2025 2:05 પી એમ(PM)
સેમિકોન ઇન્ડિયા 2025નું ઉદ્ઘાટન કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારતની સૌથી નાની ચિપ વિશ્વમાં સૌથી મોટું પરિવર્તન લાવશે