ડિસેમ્બર 25, 2025 7:43 પી એમ(PM)

printer

સુશાસન દિવસ નિમિતે ગાંધીનગરમાં સંકલિત નવીનીકરણીય ઉર્જા નીતિ–2025 સહિતની અનેક નાગરિકલક્ષી પહેલોનો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ દરમિયાન અનેક પહેલનું અનાવરણ અને વિકાસ કામોના લોકાર્પણ કરાયા. જેમાં રાજ્ય સરકાર દ્વારા સંકલિત નવીનીકરણીય ઉર્જા નીતિ–2025ની શરૂઆત કરવામાં આવી. રાજ્ય સરકારની યોજનાઓ-નીતિઓ અંગેના કાયદાઓ, નિયમો, ઠરાવો, પરિપત્રો અને જાહેરનામાને એક જ ક્લિક પર સર્ચ કરી શકાય તે માટેની પહેલ ‘G-SAAR’ પોર્ટલ, સીએમ ફેલોશીપ મોનિટરિંગ પોર્ટલ તેમજ બિનનિવાસી ગુજરાતીઓને ગુજરાત સાથે વધુ નજીકથી જોડતી ‘NRG’ વેબસાઇટનો પણ શુભારંભ કરાયો. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું, વહીવટી પાંખ જેટલી મજબૂત હશે તેટલી લોકોને વધુ સુખાકારી પ્રાપ્ત થશે.
આ અવસરે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 120 કરોડથી વધુના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિવિધ વિભાગોના વિવિધ સંસ્થાઓ સાથેના મહત્વપૂર્ણ સમજૂતી કરાર કરાયા.