સુરત S.O.G. પોલીસને એક મોટી સફળતા મળી છે. જેમાં ગુજરાતમાં સૌપ્રથમ વખત 5 કરોડ 85 લાખની કિંમતનું કોબ્રા સાપનું ઝેર ઝડપી પાડવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં લસકાણા પોલીસે સાત આરોપીની ધરપકડ કરી છે, જેઓ કરોડો રૂપિયાની કિંમતનું આ ઝેર વેચવાની પેરવીમાં હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી અંદાજે 6.5 મીલીમિટર કોબ્રા વેનોમ જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત આશરે 5 કરોડ 85 લાખ કરતાં વધુની હોવાનું સામે આવ્યું છે.પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ ઝેર અમદાવાદના એક સોની પાસેથી લાવવામાં આવ્યું હતું અને આરોપીઓ તેને સુરતમાં વેચવાની પેરવીમાં હતા. સાપના ઝેરનો ઉપયોગ બ્લડપ્રેશરની દવાઓ બનાવવા માટે થતો હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે પણ તેનો ગેરકાયદેસર ઉપયોગ વધ્યો છે, જેને પગલે પોલીસ હવે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ કરી રહી છે. ધરપકડ કરાયેલા 7 આરોપીમાં સુરતના 2 અને વડોદરાના 5 શખસનો સમાવેશ થાય છે. વન વિભાગ પણ આ તપાસમાં જોડાયું છે અને રિપોર્ટ આવ્યા બાદ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
Site Admin | જાન્યુઆરી 20, 2026 10:01 એ એમ (AM)
સુરત S.O.G.એ પાંચ કરોડ 85 લાખની કિંમતના કોબ્રાના ઝેર સાથે સાત લોકોની ધરપકડ કરી