સી. પી. રાધાકૃષ્ણન ભારતના 15મા ઉપ-રાષ્ટ્રપતિ બનશે. રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન-એનડીએના ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી રાધાકૃષ્ણને ઇન્ડિ ગઠબંધનના ઉમેદવાર અને સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીને 152 મતોથી હરાવ્યા હતા.રાજ્યસભાના મહાસચિવ અને રિટર્નિંગ ઓફિસર પી સી મોદીએ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીની ગણતરી બાદ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે કુલ 781 મતદાન કરનારા સાંસદોમાંથી 767 સાંસદોએ મતદાન કર્યું હતું. તેમણે માહિતી આપી હતી કે 767 મતોમાંથી 752 માન્ય અને 15 મતો અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા. નવા સંસદ ભવનમાં યોજાયેલ મતદાનમાં 752 માન્ય મતોમાંથી શ્રી રાધાકૃષ્ણનને 452 મત મળ્યા હતા. બી સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા હતા.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સી પી રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બદલ અભિનંદન પાઠવ્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે શ્રી રાધાકૃષ્ણનનો જાહેર જીવનમાં દાયકાઓનો સમૃદ્ધ અનુભવ દેશની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, કહ્યું કે શ્રી રાધાકૃષ્ણનનું જીવન હંમેશા સમાજની સેવા અને ગરીબોને સશક્ત બનાવવા માટે સમર્પિત રહ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે પણ સી પી રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બદલ અભિનંદન પાઠવ્યા. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સી પી રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બદલ અભિનંદન આપતા કહ્યું કે તેમના પ્રતિષ્ઠિત જાહેર જીવનમાં, તેમણે નમ્રતા, પ્રામાણિકતા અને સેવા પ્રત્યે ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવી છે.
Site Admin | સપ્ટેમ્બર 10, 2025 8:59 એ એમ (AM)
સી. પી. રાધાકૃષ્ણન ભારતના 15મા ઉપ-રાષ્ટ્રપતિ બનશે
