જૂન 16, 2025 7:48 એ એમ (AM)

printer

સાયપ્રસ સાથે આર્થિક સંબંધોને ગાઢ બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુનરોચ્ચાર કર્યો – આજે સાયપ્રસના રાષ્ટ્રપ્રમુખ સાથે વાટાઘાટો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન લિમાસોલમાં બિઝનેસ રાઉન્ડટેબલને સંબોધિત કરતાં સાયપ્રસ સાથે આર્થિક સંબંધોને ગાઢ બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું, 23 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રી દ્વારા સાયપ્રસની પ્રથમ વ્યાપાર રાઉન્ડટેબલ મુલાકાત ભારત- સાયપ્રસના આર્થિક જોડાણના મહત્વને દર્શાવે છે.પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત દરિયાઈ અને બંદર વિકાસ, જહાજ નિર્માણ અને શિપબ્રેકિંગ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, અને તેમને પ્રોત્સાહન આપવા માટે નવી નીતિઓ અમલ કરી રહ્યું છે.શ્રી મોદીએ માળખાકીય સુધારાઓ દ્વારા ભારતના પરિવર્તન પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે GST ના અમલીકરણથી “એક રાષ્ટ્ર, એક કર” ની વિભાવના આવી, જ્યારે કોર્પોરેટ ટેક્સ દરોને તર્કસંગત બનાવવામાં આવ્યા અને હજારો જૂના કાયદાઓને રદ કરવામાં આવ્યા.તેમણે કહ્યું કે છેલ્લા દસ વર્ષોમાં, ભારતમાં ડિજિટલ ક્રાંતિ જોવા મળી છે, શ્રી મોદીએ AI મિશન, ક્વોન્ટમ મિશન, સેમિકન્ડક્ટર મિશન, ક્રિટિકલ મિનરલ્સ મિશન અને ન્યુક્લિયર પાવર મિશન જેવા મુખ્ય મિશનનો પણ ઉલ્લેખ કર્યો હતો.. તેમણે સાયપ્રસ સ્ટોક એક્સચેન્જ અને ભારતના NSE વચ્ચે ગુજરાતના GIFT સિટીમાં સહયોગ કરવા માટેના કરારનું સ્વાગત કર્યું.