રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ નવા પદવીધારકોને પોતાના જ્ઞાનનો ઉપયોગ વિશ્વના કલ્યાણ અને ભલાઈ માટે કરવા અનુરોધ કર્યો હતો.
વલ્લભ વિદ્યાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીના ૬૮મા પદવીદાન સમારોહ આજે રાજયપાલે આ મુજબ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને @૨૦૪૭ સુધી વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પને સાકાર કરવા યુવાનો સહિત નાગરિકો પોતાના અધિકાર સાથે ફરજોનું પણ ઈમાનદારીથી પાલન કરી સહયોગ આપવા રાજયપાલે જણાવ્યું હતું.
આ સમારોહમાં રાજયપાલે વિવિધ વિદ્યાશાખાના ૧૬ હજાર ૯૬૩ વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવી તથા ૭૫ તેજસ્વી વિદ્યાર્થીઓને ૧૦૩ સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા. રાજ્યપાલે ૨૨ ભારતીય અને ૩૦ આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં તૈયાર કરવામાં આવનાર સરદાર યુનિટી ક્વિઝનુ ડીઝીટલી અનાવરણ કર્યું હતું.
પૂજ્ય દીદીજી શ્રીમતી જયશ્રી ઉર્ફે ધનશ્રી આઠવલે તલવલકરને તેમજ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી અને અનુપમ મિશનના સ્થાપક જશભાઈ શંકરભાઈ પટેલને રાજયપાલના હસ્તે આધ્યાત્મિક અને સામાજિક યોગદાન બદલ D.Litt. માનદ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાજ્યપાલે દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર પટેલને શ્રધાંજલિ અર્પણ કરી હતી.
દીક્ષાંત પ્રવચન આપતા રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમના ચેરમેન ડો. મિનેશ શાહે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ દ્વારા ફળ,શાકભાજી અને અન્ય કૃષિ ઉત્પાદનો વેચાણ માટે અમૂલ મોડલ લાગુ કરવામાં આવી રહ્યું છે.
Site Admin | ડિસેમ્બર 15, 2025 7:51 પી એમ(PM)
સરદાર પટેલ યુનિવર્સિટીના ૬૮મા પદવીદાન સમારોહમાં રાજયપાલે નવા પદવીધારકોને જ્ઞાનનો ઉપયોગ વિશ્વના કલ્યાણ માટે કરવા અનુરોધ કર્યો.