સરકારે 44 હજાર 700 કરોડ રૂપિયાના બે મુખ્ય જહાજ નિર્માણ પ્રોજેક્ટ્સ માટે સંચાલન માર્ગદર્શિકા જારી કરી છે. આ પ્રોજેક્ટ્સનો હેતુ ભારતની સ્થાનિક જહાજ નિર્માણ ક્ષમતા વધારવાનો અને દેશની વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં સુધારો કરવાનો છે. આ પ્રોજેક્ટ્સ જહાજ નિર્માણ નાણાકીય સહાય યોજના અને જહાજ નિર્માણ વિકાસ યોજના છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે આ માર્ગદર્શિકા એક સ્થિર અને પારદર્શક માળખું બનાવશે, સ્થાનિક જહાજ નિર્માણ ક્ષમતામાં સુધારો કરશે. તેમણે ઉમેર્યું હતું કે આનાથી મોટા પાયે રોકાણ શક્ય બનશે અને વિશ્વ કક્ષાની ક્ષમતાઓનું નિર્માણ થશે. શ્રી સોનોવાલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વએ ભારતના જહાજ નિર્માણ ક્ષેત્ર માટે નિર્ણાયક નીતિગત પુનર્ગઠન હાથ ધર્યું છે. તેમણે જણાવ્યું હતું કે બંને યોજનાઓ 31 માર્ચ 2036 સુધી માન્ય રહેશે. જહાજ નિર્માણ નાણાકીય સહાય યોજના હેઠળ કુલ 24 હજાર 736 કરોડના ભંડોળ સાથે સરકાર જહાજ શ્રેણીના આધારે પ્રતિ જહાજ 15 ટકાથી 25 ટકા સુધીની નાણાકીય સહાય પૂરી પાડશે. 19 હજાર 989 કરોડના બજેટ ખર્ચ સાથે જહાજ નિર્માણ વિકાસ યોજના લાંબા ગાળાની ક્ષમતા અને કૌશલ્ય નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ યોજના ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટરોના વિકાસ, હાલના બ્રાઉનફિલ્ડ શિપયાર્ડ્સના આધુનિકીકરણ અને સંશોધન, ડિઝાઇન, નવીનતા અને કૌશલ્ય વિકાસને ટેકો આપવા માટે ભારતીય મેરીટાઇમ યુનિવર્સિટી હેઠળ ભારતીય જહાજ ટેકનોલોજી કેન્દ્રની સ્થાપના માટે પ્રદાન કરે છે.
Site Admin | ડિસેમ્બર 28, 2025 9:20 એ એમ (AM)
સરકારે 44 હજાર 700 કરોડ રૂપિયાના બે મુખ્ય જહાજ નિર્માણ યોજના માટે સંચાલન માર્ગદર્શિકા જારી કરી