મે 23, 2025 8:05 એ એમ (AM)

printer

સરકારે વંશીય હિંસા સંબંધિત કેસોની સુનાવણી માટે મણિપુરમાં વિશેષ NIA કોર્ટની રચના કરી

સરકારે વંશીય હિંસા સંબંધિત કેસોની સુનાવણી માટે મણિપુરમાં એક ખાસ NIA કોર્ટની રચના કરી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે, મણિપુર વડીઅદાલતના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કરીને, રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા તપાસ કરાયેલા કેસોની સુનાવણી માટે ચુરાચંદપુર જિલ્લામાં એક સત્ર અદાલતને વિશેષ NIA કોર્ટ તરીકે નિયુક્ત કરી છે. જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે વિશેષ અદાલતનો અધિકારક્ષેત્ર સમગ્ર મણિપુર સુધી વિસ્તરશે. NIA એ 3 મે, 2023 ના રોજ ફાટી નીકળેલી સાંપ્રદાયિક હિંસા સંબંધિત ત્રણ મુખ્ય કેસ પોતાના હાથમાં લીધા છે. આ કેસોમાં જીરીબામમાં છ મહિલાઓ અને બાળકોના અપહરણ અને હત્યા તેમજ અન્ય હિંસક ઘટનાઓનો સમાવેશ થાય છે.
ગુનાઓની ગંભીરતાને કારણે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તપાસ માટે એજન્સીને સોંપવાનો નિર્ણય લીધા પછી, નવેમ્બર 2024 માં NIA દ્વારા આ કેસ નોંધવામાં આવ્યા હતા. મણિપુરમાં હાલમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે, જે ૧૩ ફેબ્રુઆરીએ તત્કાલીન મુખ્યમંત્રી એન. બિરેન સિંહે ૯ ફેબ્રુઆરીએ રાજીનામું આપ્યા બાદ લાગુ કરવામાં આવ્યું હતું. રાજ્ય વિધાનસભા, જેનો કાર્યકાળ ૨૦૨૭ સુધી છે, તેને સ્થગિત કરવામાં આવી છે.