પહેલગામ આતંકવાદી હુમલા પછી, તમામ પક્ષોના નેતાઓએ પાકિસ્તાન વિરુદ્ધ સલામતી અંગેની મંત્રીમંડળની સમિતિએ લીધેલા પગલાંને સમર્થન આપ્યું છે.
ગઈકાલે સર્વપક્ષીય બેઠક દરમિયાન, તમામ નેતાઓએ આતંકવાદ સામેની લડાઈ અને સરકારની કાર્યવાહીમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી.
સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે સરકારે વધુ કડક પગલાં લેવાનો ઇરાદો પણ વ્યક્ત કર્યો છે. શ્રી રિજિજુએ જણાવ્યું હતું કે નેતાઓને ઘટના અને સરકારની કાર્યવાહી વિશે માહિતી આપવામાં આવી હતી.
બેઠક બાદ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પત્રકારોને કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલાની તમામ પક્ષોએ નિંદા કરી છે. તેમણે કહ્યું કે વિપક્ષે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં સરકારને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તમામ પક્ષોએ આતંકવાદી હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ જાળવવા માટે પ્રયાસો કરવા જોઈએ…
ડીએમકે સાંસદ તિરુચી શિવાએ પણ આ હુમલાની નિંદા કરી. અને કહ્યું તેમનો પક્ષ દેશમાં આતંકવાદનો અંત લાવવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા તમામ પગલાંને સમર્થન આપશે.
બીજેડી સાંસદ સસ્મિત પાત્રાએ જણાવ્યું હતું કે સરકારે આ ભયાનક હુમલાના ગુનેગારોને ન્યાય અપાવવા માટે તમામ જરૂરી પગલાં લેવા જોઈએ. તેમણે દેશની રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત તમામ પ્રયાસોમાં સરકારને તેમના પક્ષના સંપૂર્ણ સહયોગ અને સમર્થનની ખાતરી આપી
AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે આ કોઈ રાજકીય મુદ્દો નથી અને કેન્દ્ર સરકાર જે પણ નિર્ણય લેશે તેનું તેઓ સમર્થન કરશે.
લગભગ 2 કલાક ચાલેલી આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, નાણામંત્રી નિર્મલા સીતારમણ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા, ઉપરાંત 15 અલગ અલગ રાજકીય પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો
અમારા સંવાદદાતાએ માહિતી આપી હતી કે બેઠકમાં પહેલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોની યાદમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
Site Admin | એપ્રિલ 25, 2025 8:25 એ એમ (AM)
સરકારે બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં, તમામ પક્ષોએ આતંકવાદ સામેની લડાઈ અને કાર્યવાહીમાં સરકારને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી.
