સરકારે વર્ષ 2025-26ની માર્કેટિંગ સિઝન માટેનાં રવી પાકનાં લઘુતમ ટેકાનાં ભાવમાં વધારો કર્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય મંત્રીમંડળનાં નિર્ણયોની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સરસવના પાકમાં સૌથી વધુ 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારો કરવામાં આવ્યો છે. મસુર દાળમાં 275 રૂપિયા, ચણામાં 210 રૂપિયા, જવમાં 130 અને ઘઉંનાં લઘુતમ ટેકાનાં ભાવમાં 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારો કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને પેન્શનધારકોનાં મોંઘવારી રાહતમાં ત્રણ ટકાનો વધારો કર્યો છે. તેનો લાભ 49 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 64 લાખથી વધુ પેન્શનધારકોને થશે. આ નિર્ણયથી સરકારની તિજોરી પર પ્રતિવર્ષ 9 હજાર 448 કરોડ રૂપિયાનો બોજ પડશે.
શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, સરકારે ઉત્તરપ્રદેશમાં ગંગા નદી પર રેલ અને રોડ પુલ સહિત વારાણસી-પંડિત દીનદયાલ ઉપાધ્યાય મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે. તેમણે જણાવ્યું કે આ પુલથી કનેક્ટિવિટી સરળ બનશે, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટશે, ક્રુડ ઓઇલની આયાત અને કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડો થશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ બે હજાર 642 કરોડ રૂપિયા છે.
Site Admin | ઓક્ટોબર 17, 2024 8:30 એ એમ (AM) | કેન્દ્રીય મંત્રીમંડળ
સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા અને રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવોમાં વધારો જાહેર કર્યો
 
		 
									 
									 
									 
									 
									