રાજ્યસભાની મંજૂરી સાથે સંસદે આજે ભારતીય બંદરો ખરડો 2025 પસાર કર્યો. આ ખરડાનો ઉદ્દેશ મુખ્ય બંદરો સિવાયના બંદરોના અસરકારક સંચાલન માટે રાજ્ય મેરીટાઇમ બોર્ડની સ્થાપના કરી તેને સશક્ત બનાવવાનો છે. આ ઉપરાંત બંદર ક્ષેત્રના માળખાગત વિકાસને પ્રોત્સાહન આપવા માટે મેરીટાઇમ સ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલની સ્થાપના કરવાનો અને બંદરો પર પ્રદૂષણ, આપત્તિ, કટોકટી, સુરક્ષા, સલામતી માટે જોગવાઈ કરશે. આ ખરડો આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ હેઠળ ભારતની જવાબદારીઓનું પાલન સુનિશ્ચિત કરશે. તે બંદર-સંબંધિત વિવાદોના નિવારણ અને તેની સાથે સંકળાયેલા મુદ્દાઓના સમાધાન માટે ન્યાયિક પદ્ધતિઓની પણ જોગવાઈ કરશે.
ખરડા પરની ચર્ચાનો જવાબ આપતા, બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે આ ખરડો તમામ દરિયાકાંઠાના રાજ્યો અને અન્ય હિસ્સેદારો સાથે વ્યાપક પરામર્શ પછી લાવવામાં આવ્યો છે. તેમણે ભાર મૂક્યો કે ભારત ટૂંક સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગતિશીલ નેતૃત્વ હેઠળ વિશ્વના અગ્રણી દરિયાઈ દેશોમાંનું એક બનશે.
શ્રી સોનોવાલે જણાવ્યું હતું કે આ ખરડો બંદરોને લગતા કાયદાઓને મજબૂત બનાવશે, સંકલિત બંદર વિકાસને પ્રોત્સાહન આપશે, વેપારને સરળ બનાવશે અને દેશના દરિયાકાંઠાનો શ્રેષ્ઠ ઉપયોગ સુનિશ્ચિત કરશે.
Site Admin | ઓગસ્ટ 18, 2025 7:45 પી એમ(PM)
સંસદમાં ભારતીય બંદર અંગેનો ખરડો 2025 પસાર
