ડિસેમ્બર 1, 2025 2:23 પી એમ(PM)

printer

સંસદના શિયાળુ સત્રનો આરંભ, લોકસભામાં વિપક્ષોના હોબાળા બાદ કાર્યવાહી સ્થગિત.

સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થયું છે. આ સત્રમાં 19 દિવસના સમયગાળામાં કુલ 15 બેઠકો યોજાશે. જોકે લોકસભાના આરંભે જ વિરોધ પક્ષોના હોબાળાના પગલે ગૃહની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરાઇ છે.
અગાઉ લોકસભા સવારે 11 વાગ્યે શરૂ થઈ ત્યારે, ગૃહમાં અભિનેતા ધર્મેન્દ્ર, કર્નલ (નિવૃત્ત) સોના રામ ચૌધરી, પ્રો. વિજય કુમાર મલ્હોત્રા અને રવિ નાઈકના અવસાન પર શ્રદ્ધાંજલિ આપી અને મૌન પાળ્યુ હતુ.
લોકસભામાં પ્રશ્નકાળ શરૂ કર્યો ત્યારે વિપક્ષના સભ્યોએ મતદાર યાદીના ખાસ સઘન સુધારા સહિત વિવિધ મુદ્દાઓ પર સૂત્રોચ્ચાર શરૂ કર્યા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વિરોધ કરી રહેલા સભ્યોના વર્તન પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે ગૃહની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવી યોગ્ય નથી.
જોકે ગૃહ ફરીવાર મળ્યુ ત્યારે પણ હોબાળો યથાવત રહેતા કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરાઇ હતી..
રાજ્યસભા સવારે 11 વાગ્યે મળી ત્યારે, જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ગુરવિંદર સિંહ ઓબેરોય, ચૌધરી મોહમ્મદ રમઝાન અને સજ્જાદ અહેમદ કિચલૂએ ઉપલા ગૃહમાં સંસદ સભ્ય તરીકે શપથ લીધા.
આજે પહેલીવાર રાજ્યસભાનું અધ્યક્ષપદ સંભાળનારા અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણનનું સ્વાગત કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, શ્રી રાધાકૃષ્ણનનો સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી ઉપરાષ્ટ્રપતિપદ સુધીનો ઉદય દેશની લોકશાહીની સાચી તાકાત દર્શાવે છે.
આ અગાઉ રાજ્યસભાના ઉપસભાપતિ હંરિવંશરાયે શ્રી રાધાકૃષ્ણનનું સ્વાગત કર્યું.