સંસદના બંને ગૃહમાં રાષ્ટ્રપતિએ કરેલા અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર લોકસભામાં ચર્ચાનો પ્રારંભ થયો છે. દિલ્હીના સાંસદ રામવીરસિંહ બિધૂડીએ ભાજપવતી ચર્ચાનો પ્રારંભ કરતા જણાવ્યું કે, નરેન્દ્ર મોદી સરકારે દિલ્હીના વિકાસ માટે અનેક કાર્ય કર્યા છે. તેમણે દિલ્હી સરકાર પર યુવાનો સાથે અન્યાય કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
અગાઉ આજે સવારે સંસદના બંને ગૃહમાં કાર્યવાહી શરૂ થતાની સાથે જ વિરોધ પક્ષના સાંસદોએ મહાકુંભ દુર્ઘટના પર ચર્ચાની માગ સાથે શોરબકોર કર્યો હતો.
લોકસભામાં આજે સવારે ગૃહની બેઠક મળી ત્યારે, વિપક્ષી પક્ષોએ પ્રયાગરાજમાં મહાકુંભમાં ગેરવહીવટનો આરોપ લગાવતા સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિએ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકમાં પોતાના સંબોધનમાં મહાકુંભનો ઉલ્લેખ કર્યો હતો.રાજ્યસભામાં, ગૃહની શરૂઆત થતાં જ વિપક્ષી પક્ષોએ આ મુદ્દા પર સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. સભાપતિ જગદીપ ધનખડે મહાકુંભ ઘટના અને અન્ય મુદ્દાઓ પર વિપક્ષી પક્ષો દ્વારા રજૂ કરાયેલી મુલતવી નોટિસને નામંજૂર કરી. કોંગ્રેસ, સમાજવાદી પક્ષ, શિવસેના (UBT), RJD અને અન્ય સહિત વિપક્ષી પક્ષોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું.
દરમિયાન લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ રશિયન સંસદ ડુમાના અધ્યક્ષ વ્યાચેસલાવ વોલોદિન આગેવાનીવાળા પ્રતિનિધિમંડળનું લોકસભામાં સ્વાગત કર્યું.