જુલાઇ 20, 2025 7:41 પી એમ(PM)

printer

સંસદના ચોમાસુ સત્ર પહેલા બંને ગૃહોની કાર્યવાહી સુચારુ રીતે ચાલે તે માટે આજે સર્વપક્ષીય બેઠક યોજાઈ.

સંસદના ચોમાસુ સત્ર પહેલા બંને ગૃહોની કાર્યવાહી સુચારુ રીતે ચાલે તે માટે સરકારે આજે સર્વપક્ષીય બેઠક યોજી હતી. લોકસભા અને રાજ્યસભામાં વિવિધ રાજકીય પક્ષોનું પ્રતિનિધિત્વ કરતા નેતાઓએ આ બેઠકમાં હાજરી આપી હતી. રાજ્યસભામાં ગૃહના નેતા અને કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ બેઠકની અધ્યક્ષતા કરી.
બેઠકમાં સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ, સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ અને ડૉ. એલ. મુરુગન હાજર રહ્યા હતા. આ ઉપરાંત, કોંગ્રેસના ગૌરવ ગોગોઈ અને પ્રમોદ તિવારી, NCP-SCPના સુપ્રિયા સુલે, DMKના તિરુચી શિવા અને ટી.આર. બાલુ, સમાજવાદી પાર્ટીના રામ ગોપાલ યાદવ, આમ આદમી પાર્ટીના સંજય સિંહે બેઠકમાં હાજરી આપી હતી.
મીડિયા સાથે વાત કરતા સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ બેઠક રચનાત્મક રહી હોવાનું જણાવ્યુ.
વિપક્ષ દ્વારા ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી અંગે ઉઠવાયેલા મુદ્દા બાબતે તેમણે કહ્યું કે, સરકાર ગૃહમાં આ બાબતે યોગ્ય જવાબ આપશે. ન્યાયમૂર્તિ વર્મા પર મહાભિયોગ અંગે મીડિયાના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે આ પ્રક્રિયા તમામ પક્ષોના સહયોગથી પૂર્ણ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે ન્યાયમૂર્તિ વર્માને પદ પરથી દૂર કરવાના પ્રસ્તાવ પર 100 થી વધુ સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે
બીજી તરફ કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓ, પહેલગામ આતંકવાદી હુમલો અને બિહારમાં વિશેષ સઘન સુધારા અંગે ગૃહમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના નિવેદનની માંગણી કરી હતી.
સંસદનું ચોમાસુ સત્ર આવતીકાલથી શરૂ થશે જે 21 ઓગસ્ટ સુધી ચાલશે. સત્ર દરમિયાન, બંને ગૃહોની કુલ 21 બેઠકો થશે. જેમાં જન વિશ્વાસ (સુધારા) વિધેયક 2025, રાષ્ટ્રીય રમતગમત શાસન વિધેયક 2025 અને મર્ચન્ટ શિપિંગ બિલ, 2024 સહિતના મહત્વપૂર્ણ વિધેયકો ચર્ચા અને પસાર કરવા રજૂ કરાય તેવી શક્યતા છે.