સંસદનાં શિયાળુ સત્રનાં પ્રથમ દિવસે આજે વિરોધ પક્ષોએ કેટલાંક મુદ્દે કરેલાં શોરબકોર વચ્ચે બંને ગૃહોને દિવસ પૂરતા મોકૂફ રાખવામાં આવ્યા હતા. આવતીકાલે બંધારણ દિવસના ઉપલક્ષ્યમાં સંસદમાં વિવિધ કાર્યક્રમોને કારણે આવતીકાલે ગૃહની કામગીરી થશે નહીં. બંને ગૃહો હવે બુધવારે સવારે મળશે
આજે સવારે ગૃહ મળ્યું ત્યારે સભાપતિએ એક વેપાર જૂથ સામે કથિત ભ્રષ્ટાચારનાં આક્ષેપ, મણિપુરમાં હિંસા સહિતનાં મુદ્દે ગૃહ મોકૂફીની વિરોધ પક્ષની નોટિસને ફગાવી દીધી હતી. તેને પગલે વિરોધ પક્ષના સાંસદોએ ધાંધલધમાલ કરતા સભાપતિએ ગૃહને પોણા બાર વાગ્યા સુધી મોકૂફ રાખ્યું હતું.
ગૃહ મોકૂફી બાદ રાજ્યસભા પોણા બાર વાગે મળી ત્યારે સભાપતિ જગદીપ ધનખડે વિપક્ષી સભ્યોને ગૃહમાં સામાન્ય કામકાજ થવા દેવાની વિનંતી કરી હતી, જો કે શોરબકોર ચાલુ રહેતાં તેમણે કાર્યવાહી દિવસ પૂરતી મોકૂફ રાખી હતી. અગાઉ ગૃહે તાજેતરમાં દિવંગત થયેલા તેનાં છ ભૂતપુર્વ સભ્યોને શ્રધ્ધાંજલિ આપી હતી.
લોકસભાએ ગૃહનાં પ્રારંભમાં તાજેતરમાં અવસાન પામેલા ગૃહનાં વર્તમાન સભ્યો વસંતરાવ ચવ્વાણ અને શેખ નુરુલ ઇસ્લામને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. અધ્યક્ષ ઓમ બિરલાએ તેમનાં માનમાં ગૃહને 12 વાગ્યા સુધી મોકૂફ રાખ્યું હતું. જ્યારે ગૃહ પુનઃ મળ્યું ત્યારે કોંગ્રેસ, સપા, ડીએમકે અને અન્ય પક્ષોનાં સભ્યોએ એક વેપાર જૂથ સામેનાં કથિત ભ્રષ્ટાચારનાં આક્ષેપ, ઉત્તરપ્રદેશમાં સંભલમાં હિંસા સહિતનાં મુદ્દે શોરબકોર કર્યો હતો. ઉહાપોહ વચ્ચે પીઠાસિન અધિકારીએ ગૃહને મોકૂફ રાખ્યું હતું.
દરમિયાન, અગાઉ, સવારે સંસદ સત્રનાં પ્રારંભ પહેલાં માધ્યમો સાથે વાત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિયાળું સત્ર ફળદાયી, રચનાત્મક ચર્ચાઓથી ભરેલું રહેવાની આશા વ્યક્ત કરી હતી. મોદીએ કહ્યું, ‘બંધારણ અપનાવ્યાને 75 વર્ષ પૂર્ણ થયા સહિતના અનેક કારણોસર આ સત્ર મહત્વનું છે.