મે 9, 2025 2:25 પી એમ(PM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સેનાની ત્રણેય પાંખના વડાઓ સાથે બેઠક યોજી

પાકિસ્તાને ગઈરાત્રે જમ્મુ, પંજાબ અને રાજસ્થાન સરહદે સૈન્ય મથકો પર હુમલાનાં પ્રયાસને ભારતે નિષ્ફળ બનાવ્યો છે. સશસ્ત્ર દળોએ જણાવ્યું, આ હુમલાઓમાં ભારતને કોઈ નુકસાન થયું નથી. પંજાબમાં પઠાણકોટ, જલંધર, અમૃતસર અને બઠિન્ડામાં કેટલાક વ્યૂહાત્મક સ્થળ પર હુમલો કરવાનાં પ્રયાસને સશસ્ત્ર દળોએ નિષ્ફળ બનાવ્યો હતો.
આજે સવારે ચંદીગઢમાં હુમલાની આશંકાને પગલે લોકોને ઘરની બહાર ન નિકળવાની સલાહ આપવામાં આવી. ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે આજે સવારથી નવી દિલ્હીમાં બેઠકોનો દોર ચાલુ છે. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રીય ગૃહ સચિવ, BSF અને CISFના DG તેમજ IBના નિદેશક સાથે બેઠક યોજી.
તો સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે સેનાની ત્રણેય પાંખના વડાઓ તથા ચીફ ઑફ ડિફૅન્સ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ સાથે બેઠક યોજીને પરિસ્થિતિની સમીક્ષા કરી. દરમિયાન, ભારતે પુનરોચ્ચાર કર્યો છે કે, તેનો ઈરાદો વર્તમાન સંઘર્ષને આગળ વધારવાનો નથી. પાકિસ્તાનમાં માત્ર આતંકવાદી માળખાને જ નિશાન બનાવાયુ છે. પહલગામ આતંકવાદી હુમલા દ્વારા પાકિસ્તાને આક્રમણ કર્યું છે અને ભારત માત્ર તેનો જવાબ આપી રહ્યું છે.
દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટૅલિફૉનિક વાતચીત કરી. શ્રી પટેલે સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું કે, શ્રી મોદીએ પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં નાગરિકોની સુરક્ષા સલામતીના રાજ્ય સરકાર દ્વારા લેવાયેલાં પૂરતાં પગલાઓ અંગેની પણ વિગતો મેળવી હતી.