જુલાઇ 28, 2025 7:13 પી એમ(PM)

printer

શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે રાજ્યના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજ્યા.

આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શ્રદ્ધાળુઓ શિવાલયોમાં ભક્તિમાં લીન બન્યા છે. પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મંદિરનાં દ્વાર આજે વહેલી સવારે 4 કલાકે ખુલતા જય સોમનાથના નાદ સાથે ભાવિકોએ સોમનાથ મહાદેવે શીશ ઝુકાવ્યુ હતું. સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે પાઘપાલખી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા અને હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર પરિસરમાં પાલખીયાત્રા કાઢવામાં આવી હતી.

બીજી તરફ, કેન્દ્રશાસિત પ્રદેશ દીવથી અમારાં પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે , દીવના દરિયામાં આવેલ પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિર આજે દરિયામા ભારે કરંટને લઈ બપોરે 12 વાગ્યા પછી પૂજા માટે બંધ કરવામા આવ્યુ હતુ. સવારે દરિયામા ઓટ હોવાથી વહેલી સવારથી બપોરે 12 વાગ્યા સુધી ભક્તો દ્વારા પૂજા કરાઈ હતી.
વલસાડ શહેરમાં છેલ્લા 25 વર્ષથી શ્રાવણ માસના પ્રથમ સોમવારે ઉત્તર ભારતીય સમાજ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ કાવડયાત્રીઓએ કોસંબા રોડથી તડકેશ્વર મહાદેવ મંદિર સુધી પદયાત્રા કરી હતી. ત્યાં તેમણે પવિત્ર જળથી મહાદેવનો અભિષેક કર્યો હતો.