જૂન 26, 2025 7:15 પી એમ(PM)

printer

શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” બનાવવાના ધ્યેય સાથે રાજ્યભરમાં આજથી શાળા પ્રવેશોત્સવનો આરંભ

“શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” બનાવવાના ધ્યેય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો આરંભ કરાવ્યો. મહીસાગર જિલ્લાના દિવડાની પીએમ શ્રી શાળામાં બાળકોના શાળા નામાંકનથી શાળા પ્રવેશોત્સવના 23મા તબક્કાનો આરંભ કરાવતા શ્રી પટેલે જણાવ્યું કે શાળા પ્રવેશોત્સવથી ડ્રોપ આઉટ રેટ એક ટકાથી નીચે લઈ જવામાં સફળતા મળી છે.
આ પ્રસંગે શ્રી પટેલે બાલવાટિકા, આંગણવાડી, પ્રાથમિક શાળા અને ધોરણ 9માં બાળકોનું નામાંકન કરાવ્યું હતું અને શૈક્ષણિક કીટ ભેટ આપી તેમને શાળામાં આવકાર્યા હતા. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર શાળા પ્રવેશોત્સવને આગળ ધપાવતા રાજ્યમાં બાળકોનું 100 ટકા નામાંકન અને ગુણવત્તાયુક્ત શિક્ષણ થકી બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે.
રાજ્યભરમાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો આરંભ થયો. ત્યારે શિક્ષણમંત્રી ડૉ. કુબેર ડિંડોરે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલ કૃષિ શાળા, સુખસર ખાતે બાલવાટિકામાં 17 બાળકો તેમજ ધોરણ – 1માં 35 વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના મોટા વરાછાની ત્રણ પ્રાથમિક શાળામાં કુલ 583 બાળકોનું નામાંકન કરાવ્યું. શ્રી સંઘવીએ શાળાને બાળકના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પ્રથમ પગથિયું ગણાવ્યું હતું.
પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હાપીવાડી પ્રાથમિક શાળા અને કબર વિસોત્રી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવનો આરંભ કરાવ્યો. તેમણે ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના ગોરખમઢી, કદવાર અને ધામળેજ ગામમાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ અમદાવાદના મણિનગરની કાંકરિયા ગુજરાતી શાળા નં. ૧ તેમજ શ્રી રામકૃષ્ણ વિદ્યાલય ખાતેથી વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.
તાપી જિલ્લાના સોનગઢની સાર્વજનિક હાઈસ્કુલ, વાઘનેરા અને શિશોર ગામની પ્રાથમિક શાળામાં આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ રાજયમંત્રી કુંવરજી હળપતિએ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો
જ્યારે ખેડા જિલ્લામાં રાજ્યના ચોથા નાણા પંચના અધ્યક્ષ યમલ વ્યાસે કપડવંજ તાલુકાના રામતલાવડી પ્રાથમિક શાળાએ બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. દરમિયાન, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ છોટાઉદેપુર તાલુકાના તેજગઢ, દેવળીયા અને પટેલ ફળિયાની પ્રાથમિક શાળાઓમાં કુલ 115 ભૂલકાઓને કુમકુમના તિલક કરી, મોં મીઠું કરાવી શાળા પ્રવેશ કરાવ્યો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડીયાના કપલસાડી ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧ તેમજ ધોરણ ૯ના ભૂલકાઓને નાંમાકન કરાવ્યું.
રાજકોટના ગોંડલ શહેર તથા તાલુકાઓના કુલ 15 બાળકોનો બાલવાટિકામાં, 19 બાળકોનો આંગણવાડીમાં તથા 250 બાળકોનો ધોરણ 9માં પ્રવેશ કરાવાયો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.