રાજ્યભરમાં આજે ધુળેટીના પર્વને લઈ લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે, લોકો છેલ્લી ઘડી સુધી અબીલ ગુલાલ અને વિવિધ રંગો ખરીદતા જોવા મળ્યા હતા. સવારથી જ લોકો એકબીજાને રંગ લગાડી હોળીની શુભેચ્છા પાઠવશે.
અમરેલી જિલ્લાના અમારા પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે, પ્રાકૃતિક કલર અને પાણીના બચાવ સાથે ધુળેટીની ઉજવણી કરાશે. પાણી બચાવવાના સંદેશ સાથે જિલ્લાના નાગરિકો પ્રાકૃતિક કલરથી હોળી રમશે. અનેક સોસાયટીઓના રહીશો સૌ સાથે મળી ભોજન લેશે. ગઈકાલે ભક્તિભાવપૂર્વક હોલીકા દહન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ હોલીકા દહનમાં મકાઈ, કપૂર, શ્રીફળ, ખજૂર, હારડો સહિતની વસ્તુની આહૂતિ આપી પ્રદક્ષિણા કરી હતી.
વિસનગર ખાતે હોળી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લાના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે, જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે શ્રી મહાકાળી માતાના મંદિર પરિસરમાં ગઇકાલે શાસ્ત્રોત વિધિવત રીતે હોળી પ્રગટાવવામાં આવી હતી. પાવાગઢ ડુંગર પર હોલિકા દહન થયા બાદ 50 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામમાં પણ હોળી પ્રગટાવવામાં આવી હતી. આ સમયે ભક્તો દ્વારા હોળીમાં નાળિયેર, ધૂપ તેમજ કપૂરની ગોટીઓ પધરાવવામાં આવી હતી. અને ગાયના છાણમાંથી બનાવેલા ઓરૈયા અને હારડાનો હાર બનાવી હોળીમાં પધરાવ્યા હતા.
ડાંગ જિલ્લાના અમારા પ્રતિનિધિ મુનિર શેખ જણાવે છે કે, જિલ્લાનાં ગામડાઓમાં હર્ષોલ્લાસ અને ધાર્મિક પરંપરા મુજબ હોળી પ્રગટાવી ઉજવણી કરવામાં આવી હતી.
હોળીનાં સ્થળે પરંપરાગત રીતે પૂજા અર્ચના કર્યા બાદ ઢોલ, નગારાનાં નાદ સાથે હોળી પ્રગટાવવામા આવી હતી, અને હોળીમાં શ્રીફળ, ધાણી, ખજુર સહિત ધાન્યનો નેવેધ હોમી હોળી બાઈ તું હોળી વ સદા સીમગા ખેળુનાં ગીતોનાં નાદો સાથે હોળીકાની પ્રદક્ષિણા કરવામા આવી હતી. હોળીકા દહનમાં લાકડા, કપૂર, ગોમૂત્રથી બનેલ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
Site Admin | માર્ચ 14, 2025 9:43 એ એમ (AM)
શક્તિપીઠ પાવાગઢ ખાતે શ્રી મહાકાળી માતાના મંદિર પરિસરમાં ગઇકાલે શાસ્ત્રોત વિધિવત રીતે હોળી પ્રગટાવવામાં આવી.
