સુરેન્દ્રનગરમાં પાંચાળ પ્રદેશની લોક સંસ્કૃતિને ઉજાગર કરતા જગ વિખ્યાત તરણેતરના લોકમેળાનો આજથી આરંભ થયો છે. સાંસ્કૃતિક વિરાસતના સમૃધ્ધ વારસાના પ્રતિક સમો આ લોકમેળો આસપાસના ગામના લોકો માટે રોજગારીનું, સાંસ્કૃતિક વિરાસતની જાળવણીનું, કલાકારો માટે કળાના પ્રદર્શનનું એક શ્રેષ્ઠ મંચ પૂરું પાડે છે.મેળાનું મુખ્ય આકર્ષણ એવા ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધાઓમાં આસપાસના વિસ્તારના યુવાનો મોટી સંખ્યામાં ભાગ લે છે. ગ્રામીણ વિસ્તારોમાં રમતોને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાતી આ સ્પર્ધામાં પ્રથમ દિવસે લંગડી, ગોળા ફેંક, લાંબી કૂદ, રિલે દોડ સહિતની સ્પર્ધાઓમાં યોજાઇ.આ ઉપરાંત મેળામાં આજે ત્રિદિવસીય પશુ પ્રદર્શનને પણ ખુલ્લુ મુકાયું. પશુપાલકોને પ્રોત્સાહન મળી રહે તે માટે આ પશુ પ્રદર્શનમા વિવિધ કેટેગરીમાં 40 લાખ રૂપિયાના ઈનામો ઉપરાંત ‘ચેમ્પિયન ઓફ ધ શો’ને એક લાખ રૂપિયાનું ઈનામ અપાશે.આવતીકાલે ભજન, લોકગીત, દુહા-છંદ, લોકવાર્તા, ભવાઈ, એકપાત્રિય અભિનય, બહુરૂપી, પારંપરિક ભરતગુંથણ, લાકડી ફેરવવી, ભૂંગળ સહિતની સ્પર્ધાઓ યોજાશે.
Site Admin | ઓગસ્ટ 26, 2025 7:29 પી એમ(PM)
વિશ્વ વિખ્યાત તરણેતરના મેળાનો આજથી આરંભ. પશુ મેળો અને ગ્રામિણ ઓલિમ્પિક્સ ખાસ આકર્ષણ
