વિવિધ મુદ્દાઓ પર વિરોધ પક્ષોના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી. બીજી વખત મુલતવી રાખ્યા પછી બપોરે 2 વાગ્યે ગૃહ ફરી શરૂ થયું ત્યારે, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સમગ્ર ગૃહ વતી અવકાશયાત્રી અને ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને અભિનંદન આપ્યા.
ઘોંઘાટભર્યા માહોલ વચ્ચે, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે ચર્ચા શરૂ કરી. પ્રમુખ અધિકારી દિલીપ સૈકિયાએ વિરોધ કરી રહેલા સભ્યોને આ ખાસ ચર્ચામાં ભાગ લેવા વારંવાર અપીલ કરી, પરંતુ વિરોધ પક્ષોએ વિરોધ ચાલુ રાખ્યો, જેના પગલે તેમણે ગૃહને દિવસભર માટે સ્થગિત કરી દીધું.
અગાઉ, બપોરે 12 વાગ્યે પ્રથમ મુલતવી પછી જ્યારે નીચલા ગૃહની બેઠક મળી, ત્યારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જન વિશ્વાસ (જોગવાઈઓમાં સુધારો) ખરડો, 2025 રજૂ કર્યો. આ ખરડાનો હેતુ જીવન અને વ્યવસાયને સરળ બનાવવા વિશ્વાસ આધારિત શાસનને વધુ મજબૂત કરવા માટે ગુનાઓથી મુક્તિ આપવા અને તર્કસંગત બનાવવા કેટલાક કાયદાઓમાં સુધારો કરવાનો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઇંડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (સુધારા) ખરડો, 2025 રજૂ કર્યો, જે ઇંડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ અધિનિયમ 2017માં સુધારો કરશે. વિરોધ પક્ષના હોબાળા વચ્ચે, પ્રમુખ અધિકારી સંધ્યા રેએ ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું.
Site Admin | ઓગસ્ટ 18, 2025 7:44 પી એમ(PM)
વિવિધ મુદ્દાઓ પર વિરોધ પક્ષોના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત
