નવેમ્બર 27, 2025 7:48 પી એમ(PM)

printer

વિવિધ માર્ગ પરિયોજના માટે ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી 20 હજાર કરોડ રૂપિયા ફાળવવા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ખાતરી

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રાજ્યને રાજમાર્ગ સહિતની અન્ય પરિયોજના માટે કેન્દ્ર સરકાર તરફથી 20 હજાર કરોડ રૂપિયા આપવા માટે ખાતરી આપી છે. ગાંધીનગરમાં રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓની સમીક્ષા કરવા યોજાયેલી બેઠકમાં શ્રી ગડકરીએ રાજ્યમાં ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળ – NHAIની રાજમાર્ગ સહિતની અન્ય પરિયોજનાઓની સમીક્ષા કરી.
શ્રી ગડકરીએ અધિકારીઓ અને ઈજારદારોને રસ્તાઓની ઉચ્ચ ગુણવત્તા સુનિશ્ચિત કરવાની પણ તાકીદ કરી. સાથે જ તેમણે માર્ગના નિર્માણ અને સમારકામમાં નાગરિક સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા પર પણ ભાર આપ્યો. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ-મુંબઈ, રાજકોટ—ગોંડલ—જેતપુર, અમદાવાદ—ઉદયપુર માર્ગના પ્રગતિ હેઠળના કામ ઝડપથી પૂર્ણ કરાવવા પણ શ્રી ગડકરીને રજૂઆત કરી હતી.
ત્યારબાદ શ્રી ગડકરીએ સુરતની મુલાકાત દરમિયાન મહાનુભાવોની રજૂઆતને ધ્યાને લઈ પલસાણા અંડરપાસ બનાવવા માટેની તેમણે ખાતરી આપી.
આ ઉપરાંત શ્રી ગડકરીએ સુરતથી વલસાડ સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર ચોમાસામાં કરાયેલા કામનું નિરીક્ષણ કર્યું.